50 - બોસજીની સત્તાનું ગીત યાને અવિવેકની ક્ષમા.. / અનિલ વાળા
સાવ અમસ્તુ આથમવું ને સાવ અમસ્તું ગમવું
સાવ અમસ્તુ સત્તા પાસે રોજ રોજનું નમવું.
રોજ રોજ બુદ્ધિને બાફી
સાંજે કરવો વાળું ;
તું જ કહે છાતીમાં મારી
કેમ કબૂતર પાળું ?
જનોઈવઢ્ઢ ઘાનાં ટોળાંને ક્યાં લગ મારે ખમવું ?
રોજ રોજ લટકાવી દેવું
મોઢે મણનું તાળું ;
તોય હવે છલકાય જાય છે
સખત શબ્દનું નાળું !
રાત પડ્યે ઊગવાનું મારે દિવસ ઊગ્યે આથમવું...
ઉજાગરાઓ વેઠી વેઠી
લાંબી રાતો ગાળું :
થાય મને મારાં દરપણનું
ઢીમ હવે હું ઢાળું !
ઊકળતા માણસનું આમ જ શબ્દ સહારે શમવું.
0 comments
Leave comment