43 - વિસામણ થઈ જાયે / ગની દહીંવાલા


એક ચીસ હૃદયમાં તેઓના ચિત્કારનું કારણ થઈ જાયે,
ઓ મારા દીવાના દિલ ! તુજથી આ એક ડહાપણ થઈ જાયે !

કંઈ દર્શ અમોને દેનારા વ્યવહાર પરસ્પરનો સમજે,
યોગ્ય નથી મારી દૃષ્ટિ દર્શનની ભિખારણ થઈ જાયે !

આ એક ઊણપની બરબાદી થઈ જાય અચાનક આબાદી,
એ રીત પધારે જીવનમાં, દુનિયાને વિમાસણ થઈ જાયે.

કંઈ એવી અદાથી મહેફિલમાં તું આજ તડપ ઓ દિલ મારા,
પોકારી ઊઠે પ્રત્યેક હૃદય : “એ દર્દ મને પણ થઈ જાયે !’

લો ઘાટ ઘડી લો જાહેરમાં, ઓ ગુપ્ત પ્રવૃત્તિ કરનારા !
સંસારના એરણ પર હું છું, જેને હો થવું ઘણ, થઈ જાયે !

ઉત્કર્ષ, વ્યથિત જીવનકેરો આનંદ ટકી રહેવામાં છે,
ઉદ્વેગની સીમા પર જઈને ઉત્સાહનું રક્ષણ થઈ જાયે.

આ એક દીવાના દિલ ખાતર બુદ્ધિથી રહું છું દૂર “ગની,
આ શાંત જીવન મારૂં નહિતર, બન્નેનું રણાંગણ થઈ જાયે.


0 comments


Leave comment