44 - લણશે નહીં / ગની દહીંવાલા


દુખને દુખ મારૂ હદય ગણશે નહીં,
આપની એ ભેટ અવગણશે નહીં.

છે તમારી લાગણીની અંગુલિ,
“’શું જિગરના તાર ઝણઝણશે નહીં ?

પ્રેમ જયારે શીખવી દેશે સહન,
દર્દના નખ જખ્મને ખણશે નહીં.

વિરહમાં તારા તું ગણતો થઈ જશે,
પ્રેમમાં તારાં તને ગણશે નહીં.

અશ્રુનો વરસાદ, ધરતી પ્રેમની;
વાવનારા કોઈ દી લણશે નહીં.

પ્રેમમાં ઉપદેશકો ! તમને સલામ !
મારૂં જીવન પાઠ એ ભણશે નહીં.

તૂટી પડશે નભ નિરાશાનું “ગની",
ભીંત જે તું આશની ચણશે નહીં.


0 comments


Leave comment