2.2 - દૃશ્ય – ૨ / અંક ૧ / અંતિમ યુદ્ધ / ધ્વનિલ પારેખ


(પ્રકાશ થાય ત્યારે મંચના એક ભાગ ઉપર દેવવ્રત અને દાશરાજ દૃશ્યમાન.)

દેવવ્રત : દાશરાજ તમારી માગણીઓ જણાવો.
દાશરાજ : ગંગાપુત્ર, એ માગણીઓ પૂર્ણ કરવી બહુ કઠિન છે.
દેવવ્રત : મારે માટે કશું કઠિન નથી. તમે તમારી માગણીઓ જણાવો.
દાશરાજ : મારી કન્યા. મત્સ્યગંધાનાં તમારા પિતા રાજા શંતનુ સાથે લગ્ન થયા પછી રાજસત્તાનો અધિકાર એનાં સંતાનોને મળશે, નહીં કે તમને !
દેવવ્રત : કેવળ આ જ માગણીઓ છે તમારી ? હું ગંગાપુત્ર તમને વચન આપું છું, કે હું ક્યારેય રાજસત્તા માટે મારો અધિકાર આગળ નહીં કરું. રાજસત્તા માટેનો મારો અધિકાર હું આ ક્ષણથી જ જતો કરું છું. હવે, તો તમને પિતાશ્રી અને તમારી કન્યાનાં લગ્ન સામે વાંધો નહીં હોય ?

દાશરાજ : વાત અહીં પૂરી થતી નથી, ગંગાપુત્ર !
દેવવ્રત : તો ? તમે કશું સ્પષ્ટ કહેતા કેમ નથી ?
દાશરાજ : રાજસત્તાનો અધિકાર તમે જતો કરો છો, પણ આવતીકાલ કોણે જોઈ છે ? તમે નહીં અને તમારાં સંતાનો કાલે ઊઠીને રાજસત્તાના અધિકાર માટે આગળ આવે ત્યારે....? ત્યારે તો મત્સ્યગંધાનાં સંતાનો રઝળી પડે ને ?
દેવવ્રત : એકદમ ચતુર છો, દાશરાજ. પણ એવું નહીં થાય દાશરાજ, એવું નહીં થાય. હું ગંગાપુત્ર દેવવ્રત ત્રિલોકની સાક્ષીએ આજે પ્રતિજ્ઞા કરું છું કે હું જીવનભર સ્ત્રીનાં સ્પર્શથી દૂર રહીશ અને આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ.
દાશરાજ : ધન્ય છે તમને દેવવ્રત, ધન્ય છે. હવે મને કોઈ વાંધો નથી. ગમે ત્યારે લગ્નનું શુભ મુહૂર્ત જણાવજો. આજ્ઞા આપો.

(દાશરાજ જાય છે. મંચના બીજા ભાગ ઉપર શંતનુ દૃશ્યમાન. ભીષ્મ એ બાજુ જાય છે.)
શંતનુ : વત્સ, આટલી મોટી પ્રતિજ્ઞા અને તે પણ એક વૃદ્ધ પિતા માટે ?
દેવવ્રત : વય વૃદ્ધ થાય છે પણ મન ! તમારું મન દાશરાજની કન્યામાં આસક્ત હતું એટલે...
શંતનુ : પણ તારા તો મન અને વય બંનેની હજી શરૂઆત છે. કાલે ઊઠીને તારું મન પણ કોઈ કન્યામાં આસક્ત થશે. ત્યારે ? વયોવૃદ્ધ થવા છતાં હું મારા મનને નિયંત્રણમાં નથી રાખી શક્યો ત્યારે તું કઈ રીતે રાખશે ? મનની ગતિ ચંચળ હોય છે અને એને નિયંત્રણમાં રાખવી.....
દેવવ્રત : પિતાશ્રી, પ્રતિજ્ઞા થઈ ચૂકી છે એટલે હવે એ બધી વાતો વિચારવાનો કોઈ અર્થ નથી.
શંતનુ : અર્થ છે વત્સ, અર્થ છે. હું હમણાં જ દાશરાજને આજ્ઞા આપું છું, કે તને પ્રતિજ્ઞામાંથી મુક્ત કરે.

દેવવ્રત :
દાશરાજે મને પ્રતિજ્ઞામાં બાંધ્યો નથી. પ્રતિજ્ઞા મેં સ્વયં કરી છે.
શંતનુ : પણ દાશરાજે કરેલી માગણીઓને કારણે તારે આવી આકરી પ્રતિજ્ઞા કરવી પડી ને ?
દેવવ્રત : કોઈ પણ પિતા એની કન્યાનું એટલું હિત તો ઈચ્છે જ ને?
શંતનુ : તો એક પિતા તરીકે મારે તારા હિતની રક્ષા કરવી જોઈએ કે નહીં ? અને હું જોઈ રહ્યો છું, કે આ પ્રતિજ્ઞાથી તારું કેવળ અહિત જ થવાનું છે ત્યાં..? તારી પ્રતિજ્ઞાના આવરણ નીચે હું દાશરાજની કન્યાને વરવા નથી માગતો, વત્સ !
દેવવ્રત : પિતાશ્રી, હું દાશરાજ સાથે સઘળું નિર્ધારિત કરીને આવ્યો છું. મારી પ્રતિજ્ઞાથી તમારે આટલા વ્યથિત થવાની જરૂર નથી. આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા તો હવે મારી નિયતિ છે અને નિયતિને કોણ બદલી શકે ?

શંતનુ :
ગંગા, સમજાવ તારા પુત્રને.
દેવવ્રત : એ માતાએ જ મને સમજાવ્યું છે, કે ક્ષત્રિય પુરુષો એક વાર પ્રતિજ્ઞા કર્યા પછી અંતિમ શ્વાસ સુધી એનું પાલન કરે છે.
શંતનુ : તું સમજતો કેમ નથી ? તારા ભવિષ્યનો વિચાર કર.
દેવવ્રત : હવે, સમજવાનું કશું રહેતું નથી. તમે, લગ્નની તૈયારી કરો પિતાશ્રી.
શંતનુ : તો વત્સ, મને પણ એક વચન આપ.

દેવવ્રત
: આ દેવવ્રત તમારે માટે કંઈ પણ કરવા તત્પર છે.
શંતનુ : વચન આપ કે, તું જીવશે ત્યાં લગી આ હસ્તિનાપુર રાજસિંહાસનની રક્ષા કરશે. અને હું હસ્તિનાપુર નરેશ રાજા શંતનુ તને વરદાન આપું છું, કે તારી ઈચ્છા ન હોય ત્યાં લગી મૃત્યુ તારો સ્પર્શ નહીં કરે. ભારતવર્ષ આજથી તને દેવવ્રત નહીં ભીષ્મ તરીકે ઓળખશે, મહારથી ભીષ્મ !
ભીષ્મ : પિતાશ્રી, તમે મારું ઉત્તરદાયિત્વ વધારી દીધું છે.
શંતનુ : હસ્તિનાપુરને તારા જેવા જ મહારથીની જરૂર છે. તારા હાથે હસ્તિનાપુરની પ્રગતિ થાઓ, એ જ મારા તને આશીર્વાદ છે.
(ભીષ્મ ચરણસ્પર્શ કરે છે.)
તારું સદા કલ્યાણ થાવ.

(શંતનુ જાય છે. ભીષ્મ મંચના બીજા ભાગે જાય છે. જે ગંગાનો તટ હોય એવી દૃશ્યરચના.)

ભીષ્મ
: પ્રણામ માતા. માતા, મેં જે કંઈ પણ કર્યું એ યોગ્ય કર્યું ને ?
(માત્ર સરિતાનાં ખળખળ વહેતા પ્રવાહનો ધ્વનિ. એ સિવાય શાંતિ.)
માતા, તમે મૌન કેમ છો ? બોલો ને, મેં જે કર્યું એ યોગ્ય કર્યું ને ?
(ગંગા પ્રગટ થાય છે.)
ગંગા : ભીષ્મ હવે...
ભીષ્મ : માતા, તમારો તો હું દેવવ્રત જ !

ગંગા :
ભારતવર્ષ હવે જેને ભીષ્મ તરીકે ઓળખવાની છે એ પુત્રની ઓળખ મારે પણ એ જ રીતે કરવી જોઈએ ને ?
ભીષ્મ : ના માતા, તમારો તો હું દેવવ્રત જ ! તમારા વિના હવે કોણ મને આ નામથી બોલાવશે ? દેવવ્રત ઉપર હવે મારે ભીષ્મનું મહોરું ચઢાવવાનું છે ત્યારે મને મારી સાચી ઓળખ તો તમે જ આપશો ને માતા ?
ગંગા : તારી પ્રતિજ્ઞા જ તારી સાચી ઓળખ બની રહેશે, વત્સ.
ભીષ્મ : પણ તમે કહ્યું નહીં, કે મેં જે કંઇ પણ કર્યું તે યોગ્ય હતું કે નહીં ?

ગંગા :
એ નિર્ણય કરનારી હું કોણ ? એ નિર્ણય તો આવનારો સમય અને હસ્તિનાપુર સ્વયં કરશે, કે દેવવ્રતમાંથી ભીષ્મ બનવું યોગ્ય હતું કે અયોગ્ય ? જો વત્સ, શાંતિસભર આજની આ રાત્રિ તારા જીવનની કદાચ અંતિમરાત્રિ હશે. આવતીકાલથી તો હસ્તિનાપુરનું રાજસિંહાસન તારી સામે અનેક પ્રશ્નો લઈને ઊભું હશે ત્યારે તું શાંતિ ઝંખતો હશે પણ એ તારા ભાગ્યમાં નહીં હોય.
ભીષ્મ : માતા, તમે તો મારી સાથે હશો ને ?
ગંગા : મારા આશીર્વાદ સદા તારી સાથે છે. દેવવ્રત !

(ગંગા જાય છે. ભીષ્મ આવનારા સમયને સૂંઘતો હોય એમ સ્થિર. અંધકાર.)


0 comments


Leave comment