4 - ભાગ – ૪ / એન્જોયગ્રાફી / રતિલાલ બોરીસાગર


    સ્વભાવે હું ભોજનપ્રિય વ્યક્તિ છું – એ હું આગળ જણાવી ગયો. એક બાજુ મારી વિરલ ભોજનપ્રિયતા ને બીજી બાજુ ભોજન અંગેનાં કડક નિયમનો – હૃદયની આજ્ઞા એક ને હાથનાં જમવાં જુદાં – આવી પરિસ્થિતિમાં મારી ઠીકઠીક કસોટી થઈ. આ કસોટીનું વર્ણન કરી હૃદય હળવું કરવાનું ઉચિત સમજુ છું.
* * *
    કોબી, કાકડી, ગાજર, ટમેટાં વગેરેનું સલાડ; શુષ્ક મનુષ્યના હૃદય જેવી, ઘી વગરની, કોરી રોટલી; તેલ વગરનું એટલે ઘણા ઓછા તેલવાળું – અને તે પણ મઘમઘતું શિંગતેલ નહિ – સફોલાના તેલવાળું શાક – આ રોજનો ખોરાક. મિષ્ટાન્ન બંધ – ફરસાણ બંધ ! ભર્તુહરિની જેમ હું એકાએક રાજવીમાંથી સન્યાસીની ભૂમિકામાં આવી ગયો. જોકે અમારી વચ્ચે એક મહત્વનો ગુણાત્મક તફાવત હતો. ભર્તુહરિની ભૂમિકા વૈરાગ્યને કારણે બદલાઈ હતી ને મારી રોગને કારણે. વૈરાગ્યશતક પ્રેરે એવા ભોજનને કારણે જમતી વખતે મારી આંખોમાં પાણી આવી જતાં. અગાઉ તીખું-તમતમતું ખાવાને કારણે આંખોમાં પાણી આવી જવાના પ્રસંગો બનતા પણ તદ્દન મોળું ખાવાને કારણે આંખો ભીની થવાનો આ અનુભવ અનેક રીતે વિલક્ષણ ગણાય તેવો હતો.

    લગ્નપ્રસંગે યોજાતા ભોજનસમારભની તો મારી ભયંકર કસોટી થતી. મને એન્જાઈનાની તકલીફ છે એ વાત સ્વજનોમાં ફેલાવા માંડી હતી એટલે સ્નેહી યજમાન નિમંત્રણ આપતી વખતે જ કહેવા માંડે, “તમે જમશો નહિતો ચાલશે, પણ નવદંપતીને આશીર્વાદ આપવા તો તમારે આવવું જ પડશે.” વસ્તુત: આશીર્વાદ આપવાનો મારો ક્યારેય દુરાગ્રહ નથી હોતો. મારા આશીર્વાદ ફળવા અંગેની ખાતરી પણ મને હજુ સુધી નથી થઈ. કોઈ કોઈ યજમાન મિત્ર તો આમંત્રણ આપતી વખતે એમ પણ કહેતા કે ‘‘બોસ ! સો રૂપિયાની ડિશવાળું ભોજન છે, પણ તમે જમો જ એવો આગ્રહ નહિ રાખીએ. તમારી તબિયતનું ધ્યાન રાખવું એ અમારી ફરજ છે. તમારી હજુ બહુ જરૂર છે.” આ મિત્રો એ રીતે કહેતા જાણે એમને ત્યાં જમીને હું તરત ગુજરી જવાનો હોઉં ! ભાતભાતની વાનગીઓ ખાવાને કારણે મારું હૃદય ભવિષ્યમાં ભારે થઈ જાય એ તો શક્યતા માત્ર હતી, પણ સો રૂપિયાવાળી ડિશ હું આરોગી નહિ શકું એ ખ્યાલે એ જ વખતે મારું હૃદય ભારે થઈ જતું. એમાં પાછું ‘તમારે તો આવું બધું ખાવાનું નહિ, ખરું?’ લગ્નસમારંભમાં તદ્દન નિષ્કામ ભાવે મિત્રોની મુલાકાત લેતો ફરતો હોઉં ત્યારે બાદશાહી ભોજન આરોગતાં-આરોગતાં મિત્રો આમ કહે ત્યારે તો ભારે હૃદય વધારે ભારે થઈ જતું. ‘જીવન શું, જગત શું, તપ એ જ સાથી’ એવી પાંડુની ઉક્તિ ફરીફરી યાદ કરીને મન મનાવવા પ્રયત્ન કરતો, પણ પાંડુની જેમ હું પણ આમાં સફળ થતો નહિ !

    ‘જમતી વખતે ઠાંસીઠાંસીને ન જમવું’ એવી ડોક્ટરની સલાહનો અમલ કરવાનું પણ મારા માટે બહુ સહેલું નહોતું. વિનોબાજી કહેતા, ‘ઉપવાસ કરવાનું સહેલું છે, પણ મિતાહાર દુષ્કર છે; મૌન પાળવાનું સહેલું છે, પણ મિતભાષિતા દુષ્કર છે.’ વિનોબાજીના સદ્ભભાગ્યે એમને મારા પરિચયમાં આવવાનું બનેલું નહિ; નહિતર એમણે ઉચ્ચારેલું આ વિધાન સાર્વત્રિક સત્ય નથી એની એમને ખબર પડત. મારા માટે ઉપવાસ ને મિતાહાર, મૌન અને મિતભાષિતા બધું જ દુષ્કર છે. હું ઉપવાસ તો શું એકટાણું પણ કરી શકતો નથી. વર્ષો પહેલાં થોડો વખત એકટાણાં કરેલાં. એ વખતે સવારે જમવાનું રાખતો તો રાત્રે ભૂખ્યા ઊંધ નહોતી આવતી ને રાત્રે એકટાણું કરવાનું રાખતો તો ભૂખ્યાભૂખ્યા દિવસ પૂરો થતો નહોતો. ઓફિસકામમાં મદ્દલ જીવ ચોંટતો નહિ. પછી મને થાય કે એકટાણાં કરવાથી પ્રભુભક્તિ થતી હશે કદાચ, પણ રાષ્ટ્રભક્તિ ઓછી થાય છે ! રાષ્ટ્રભક્તિ એ જ ખરી પ્રભુભક્તિ છે એમ સ્વામી વિવેકાનંદ વગેરેએ કહ્યું છે એટલે રાષ્ટ્ર ખાતર પણ મારે બેત્રણ વાર જમવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં જમવું જોઈએ – આવું વિચારી મેં એકટાણાં કાયમ માટે બંધ કરી દીધાં. આમ કરવાથી મારો આત્મા પીડાતો બંધ થયો ને પ્રભુને પણ આનાથી કશં નુકશાન થયું હોય એવું લાગ્યું નથી. મિતાહાર દુષ્કર છે એ બાબતમાં હું અને વિનોબાજી સરખું વિચારીએ છીએ. (Great people think alike !) હું તો વિનોબાજીથી આગળ વધીને એમ કહું છું કે ઉપવાસ દુષ્કર છે, પણ મિતાહાર તો બ્રહ્મચર્યની જેમ દુષ્કર છે, દુષ્કર છે. દુષ્કર છે ! ઈશુનું છેલ્લું ભોજન જગપ્રસિદ્ધ છે, મારું તો પ્રત્યેક ભોજન મારું છેલ્લું ભોજન છે એમ મને લાગતું એટલે દરેક વખતે ઠાંસીઠાંસીને જમવાની મને ટેવ હતી. વિનોબાજી કહેતા, “સામાન્ય મનુષ્યને ભોજનનો આનંદ, પણ કવિને આનંદનું ભોજન !” કવિસંમેલન યોજ્યા પછી કવિને પુરસ્કાર ન આપવો હોય કે ઓછો આપવો હોય ત્યારે આ વાક્ય કામમાં આવે એવું છે. બાકી માત્ર આનંદના ભોજન પર કવિઓ કેટલા દહાડા કાઢી શકે એ પ્રશ્ન છે... એટલે હું આમાં બંને બાજુ જાળવું છું. ભોજનનો આનંદ મારો પ્રિય આનંદ છે, ને કવિ નહિ તો કાવ્યરસિક તો છું જ એટલે આનંદનું ભોજન પણ મારું પ્રિય ભોજન છે. બંને આનંદ હું ભરપૂર માત્રામાં માણતો. ડૉક્ટરે ઓછું જમવાનું કહી ભોજનના આનંદને સીમિત કરી દીધો.

    ‘ઓછું જમવું’ એવી ડોક્ટરની સૂચના હતી અને ડોક્ટરની સૂચનાનું પાલન કરવા હું તત્પર હતો. પરંતુ ઓછું ‘જમવું’ એટલે શું એમાં મતભેદને પૂરો અવકાશ હોઈ શકે એની સૂચના આપતી વખતે ડોક્ટરને ખબર ન હોય એમ બને. ‘ઓછું-વધુ’ એ તો સાપેક્ષ બાબત છે. મારું ઓછું ભોજન પણ બીજા માટે વધુ થઈ પડે કે બીજાનું વધુ ભોજન મારા માટે સાવ આછું પડે એ તદ્દન શક્ય છે. “જમતાં-જમતાં તમને એમ લાગે કે હજુ એક રોટલી ખાઈ શકાય તેમ છે ત્યારે ઊઠી જવું.” ડોક્ટરે મારી મૂંઝવણનો ઉપાય બતાવ્યો. કહેનારને જે સાવ સહેલું લાગતું હોય તે કરનારને અથવા કરવાનો પ્રયત્ન કરનારને ઘણું અઘરું લાગતુ હોય છે અને એટલે જ આટલા મહાપુરુષો થઈ ગયા છતાં જગત હજુ ઠેરનું ઠેર છે ને હું માનું છું કે એના અસ્તિત્વની અંતિમ ક્ષણ સુધી ઠેરનું ઠેર જ રહેશે. ‘મારાથી હજુ એક રોટલી જમી શકાશે.’ આવું નક્કી કરવામાં મને ખૂબ જ તકલીફ પડતી. હજુ ચારેક રોટલી તો સહેલાઇથી ખવાઈ શકે તેમ છે એમ વિચારી ત્રણેક રોટલી ખાઈ જાઉ પછી ખ્યાલ આવે કે એક રોટલી વધુ ખવાઈ ગઈ છે ! છેવટે મેં વિચાર્યું કે કેટલી રોટી ખાધી તે સહેલાઈથી નક્કી થઈ શકે. એટલે રોટલીની સંખ્યા નિશ્ચિત કરી દેવી જોઈએ. મારી ઉંમરના ને લગભગ મારા જેવી તબિયતવાળા કેટલી રોટલી ખાય છે એનો સરવે કરી મેં ત્રણ રોટલી, એના પ્રમાણમાં શાક ને દાળ તથા થોડા ભાત- એટલું જ ખાવું એવું નક્કી કર્યું. તમને થશે કે આ નિર્ણય પછી મારો રસ્તો તદ્દન સરળ થઈ ગયો હશે, પણ તેમ નહોતું. મેં ત્રણ રોટલી ખાઈ લીધી કે હજુ બે જ ખાધી છે એવી શંકા મને જમતાં-જમતાં એક કરતાં વધુ વાર થતી. આ શંકાનું નિવારણ ન થાય ત્યાં સુધી હું જમવાનું ચાલુ રાખતો, પરિણામે છ-સાત રોટલી ખવાઈ જતી. છેવટે કેટલીક હોટેલોમાં “ફિક્સ ડિશ”ની પ્રથા હોય છે તે રીતે મેં પણ સવારે ત્રણ રોટલી ને થોડો ભાત અને સાંજે બે ભાખરી ને થોડી ખીચડી – શાક-દાળ-કઢી એના પ્રમાણમાં – આવી ફિક્સ ડિશ નક્કી કરી-ભાણું પહેલેથી જ એ પ્રમાણે પીરસી દઈ જમવાનું શરૂ કર્યું. આ પદ્ધતિ આજે પણ ચાલુ છે. અલબત્ત, હું જેને “થોડો ભાત” ને “થોડી ખીચડી” કહું છું તે થોડાં કહેવાય કે કેમ એ અંગે મતમતાંતરો છે પણ મને એ ખરેખર થોડાં લાગે છે.

(ક્રમશ ....)


0 comments


Leave comment