3.5 - વિસ્ફોટ – ૫ / રાજેન્દ્ર પટેલ


વિસ્ફોટ એ વિફરેલો સાંઢ નથી
એ તો છે
ક્ષણે ક્ષણે ખૂલતું ફૂલ
કદી ન થયું હોય એવું
કરવાની નેમ
જે વહે, વિસ્તરે અને વહાલ કરે
દરેક પદાર્થને.

માએ શીખવેલું એ બધુંય
ફરી ફરી યાદ દેવડાવે
ઘેરથી ઘેર પાછા ફરવું અકબંધ
અને વધારાનું વ્હાલ.
વિસ્ફોટ તો પાછો ફરેલો
સાહસવીર છે, જેની
જનેતા ઇચ્છે છે નિત નિત
અવનવા વિસ્ફોટ -

જે છાપામાં દેખાય છે
જે ટીવીમાં દેખાય છે
જે નજરને અંધ કરે છે
જે કાનને બહેરા કરે છે
જેનો રંગ લાલ હોવા છતાં કાળો છે
અને કાળા રંગનો ચહેરો લાલ રંગથી રંગે છે.
જે સૂર્યનો કદી ઇચ્છતા નથી ઉદય
કેવળ ધ્વંસની ધૂળનો જ છે
એમનો ઉન્માદ.

વિસ્ફોટ એ ઉન્માદ નથી
છે અવિરત આરંભ –
નવા સર્જનનો.

એ વિસર્જનને પલટાવે છે
સર્જનમાં
અને દરેક વિસર્જને તાકે છે
નવ્ય ક્ષિતિજ.
જે છે એ બધુંય વિસ્ફોટને પ્રતાપે છે
કોષથી કોષ સુધી
એક કોસની જેમ
એ ખેડે છે ખુદનો પંડ
અને તાગે છે
નિતનવું બ્રહ્માંડ.


0 comments


Leave comment