4.2 - જાળાં-બાવાં / રાજેન્દ્ર પટેલ


સારું થયું
નજર ગઈ ઉપર
નહીં તો ન પડત ખબર
અહીં છત નથી
ચાદર છે ચાદર જાળાં-બાવાંની.

જોયા પછી રહેવાય નહીં
અને સહેવાય નહીં
એટલે બાવાં તો કાઢવા જ પડે ને?

ખંડેર હોત તો ઠીક
મંદિર હોત તોય ભલે
ભવ્ય મહેલ હોત તોય ચાલત
પણ આ તો એકનું એક ઘર ને
એમાં આપણું પોતાનું જ મકાન.

ચોતરફ વળગેલાં
અંધારતરસ્યાં કાળભૂખ્યાંઓને
ભાળ્યાં પછી થયું
ચોક્કસ કંઈક કરવું પડશે
આ બધાં બાવાઓનું.

કમર કસી, પણ બાવાં જવાનું નામ લેતા નથી
જેટલાં કાઢું એટલાં વધી જાય.
ના છુટકે કમર જોડે મગજ કસ્યું
સમજાયું બાવા કાઢવાં હોય તો
પહેલા બાવાંમુક્ત થવું પડે.
શોધવા માંડયું ભીતરના ખૂણેખૂણામાં
અધધધ. . . આ શું ?
આ તો ભીતર છે કે બાવાંઓનું નગર?

બહારનાં હોય તો ઝટ જાય
પણ આ અંદરનાનું શું?

પુરોગામીઓને પોકાર કર્યો
અનુગામીઓને અનુરોધ કર્યો
સમકાલીનોને હાથ જોડી વિનવ્યાં
સૌ કોઈ મસ્ત હતા
એકબીજાના બાવાં જોવામાં

ભૂલી જ ગયેલાં
જે ભોમ ઉપર ઊભા હતા
અને જે છત નીચે જીવતા હતા
એની પર તો બાવન બાવન ગજની બાવાંઓની
ધજાઓ ફરકે છે ધજાઓ.

ખાદીની ટોપી ઝભ્ભા ચડાવવાથી થોડાં ભાગે?
દાઢી-મૂછ વધારવાથી કંઈ થોડાં બાવાં અટકે?

આ તો પહેલા મનથી અનાવૃત થવું પડે
અને પછી બાવાં કાઢવાનો ખેલ આદરવો પડે.
પ્રથમ મન અને પંડ ધોવા પડે
પછી મંડી પડવું પડે બાવાં કાઢવા.
આ તો ખરાખરીનો ખેલ.

ક્યારેક થાક લાગે, હાંફ લાગે
મેલા થવાનો ડર લાગે
એકલા એકલા કામ કરવાનો કંટાળો આવે
જે સ્ટૂલ પર ઊભા હોઈએ
એને પકડનાર કોઈ હોય નહીં
તોય ધરાર કાઢવાના બાવાંનો નિર્ધાર જ
બાવાં ઓછા કરે.

જાતથી છત સુધી ને
છતથી ફર્શ સુધીની આખી યાત્રા
મિત્રો, જબરી કપરી લાગે છે.

ઋતુ બદલાય
સમય બદલાય
ન બદલાય બાવાંઓ.

એમને જગા માટે એટલો લગાવ
એમનું ચાલે તો પવનને પણ પ્રવેશવા દે નહીં.

આ બાવાંઓ અંધારા સિવાય કશું સમજે નહીં
અને અજવાળા માટે વ્યંગ કરે રાખે.
પંડને સાફ રાખો એમ
સાફ રાખવું પડે છે મન
આ સાફસૂફીમાં.

દરરોજ સવાર પડે ને જીવ મૂંઝાય, રહેસાય
મન કહે ‘રહેવા દે, તારા બાપનું શું જાય છે?’
માંહ્યલો કહે ‘તું તારે મંડી પડ, આ પાર કે પેલે પાર
તો જ પહોંચાય આરપાર’

ઘણાં ઘણાં બાવાં કાઢયા પછી એ વાત સમજાઈ
બાવાંની બાબતે નજર બરોબર ઊંચે રાખવી.
ક્યારેય બેધ્યાન રહેવું નહીં
અને સૌ પહેલા ભીતરના જાળાં-બાવાં સાફ કરવાં.


0 comments


Leave comment