4.3 - ડ્રાઈક્લીનર્સ / રાજેન્દ્ર પટેલ
મૂંઝાયો છે ડ્રાઈક્લીનર
પોતે પોતાના ડાઘથી.
જેમ જેમ દૂર કરવા મથે ડાઘ
એમ એમ ગાઢ થતો જાય
અમથો એવો ડાઘ લાગે
જાણે અંધારાની મસમોટી આંખ.
એ જાણે છે
જાતભાતના ડાઘ
લાલ, લીલો ને ક્યારેક વાદળી
પણ સૌથી ખતરનાક
રંગહીન ડાઘ.
આ કાળો હોત તો ઝટ જાત
પણ આ તો ડાઘ કે કાચિંડો?
ક્યારેક લાગે છે જેવા વસ્ત્ર એવો જાણે આ ડાઘ.
ડાઘ જોયા પછી ડઘાઈ ગયો છે
ડ્રાઈકલીનર.
ડાઘ રમતાં રમતાં વળગ્યો નથી
ખાતાં ખાતાં પડ્યો નથી
કે અજાણતાંય લાગ્યો નથી.
આ તો ખુદનો ભરોસો ભૂલ્યાનો ડાઘ.
ડાઘ ડાઘમાં ફેર હોય છે જાણતો હોવા છતાં
વસ્ત્ર વસ્ત્ર વિફરેલા આ ડાઘે જાણે
એને બેચેન કરી મૂક્યો છે.
જાતભાતના ડિટરજન્ટ વાપર્યા
કેટકેટલાં પ્રયત્ન પછીયે
ડાઘ દૂર થયો નહીં.
છેવટે ડાઘ સામે ડાઘ અજમાવ્યો.
બાપુજીની જૂની ટપકતી પેન વાપરતાં
પડેલાં શાહીના ડાઘની યાદથી
આદર્યો આરંભ
બધાં ગયાં, પણ મુશ્કેલ હતો એક માત્ર લાલ ડાઘ.
જન્મનો જોડીદાર
હમણાંનો છડીદાર
ગમે તેણે પાડેલો
પણ જાત પર પડેલો
આજ સુધીનો ઘેરામાં ઘેરો આ ડાઘ
હવે દૂર થવાની શક્યતા ઊભી થઈ
એક શાહીના ડાઘથી.
મોડામોડા એને સમજાયું
કેટલાંક ડાઘ હોય છે ડાઘ કાઢવા.
વસમા ડાઘથી ડઘાયેલા ડ્રાઈક્લીનર્સની આંખમાંથી
સરી પડ્યાં આંસુ.
પળમાં ભળ્યાં શાહીને આંસુ.
તોય હાથ લાગ્યો નહીં કોઈ ડાઘ
નસનસમાં ઉતરે એમ
એ ઉતર્યો
છેક ઊંડે
જ્યાં પડેલો હતો એ ડાધ
જેને ના કશું નામ
એક માત્ર ડાઘ લાલ
એને ભૂંસવા ભેળવી પેલી થોડી શાહી અને અઢળક આંસુ.
ભૂંસાયો તો ખરો પણ ખૂલ્યો એક પડદો.
ડાઘ છે એટલે જ અગત્યનો છે બાકીનો સમગ્ર ભાગ.
ચાદર હોય કે શર્ટ
રૂમાલ હોય કે શાલ
જાત હોય કે હાડ
મન હોય કે માટી
અંદર હોય કે બહાર
ડાઘ પડે છે એટલે વાત બને છે
અને આવતા સમયની અનોખી ભાત રચે છે.
ડ્રાઈક્લીનર્સ મહામહેનતે તાંતણાઓના ઘેરાવામાંથી
નીકળ્યો બહાર.
ફરી એ કહે છે ડાઘ તો મનનો છે મેલ
એના કરતા ખૂંખાર વાઘ સારો
ખબર પડે ક્યાં છે વાઘ.
હવે દરેક જણને કહે છે, ‘સાચો ઉપાય એક છે
કપડાં ભલે સાંધેલા હોય પણ
ડાઘ વગરના રાખવાના ધખારા રાખવા
ડાઘ તો પડવાનો જ
સવાલ માત્ર ડાઘને પોતાની રીતે ધોવાનો હોય છે
જેવાં ત્યાં ગમે એવા ડિટરજન્ટોમાં સમય બગાડવો નહીં.
એક અને એક માત્ર અકસીર ઇલાજ
થોડી શાહી અઢળક આંસુ
ધોવે હર એક ડાઘ.’
0 comments
Leave comment