4.4 - ફાયર સેફટિ / રાજેન્દ્ર પટેલ


ઊંચા ઊંચા મકાન બાંધ્યાં
વચ્ચે વચ્ચે મૂક્યાં
ફાયર સેફટિના વાનાં.

પણ જુઓને યાર
લાગે છે ક્યાં કોઈ આગ ?
આ ફાયર સેફ્ટી પાછળ
કેટકેટલો ખર્ચ કર્યો પણ ક્યારેય લાગતી નથી આગ.

ઉપર જતા, નીચે ઉતરતા
એને જોઈ ભીતર વળે છે કંઈ શાતા.

તોય વળગેલી છે એક દહેશત
ગમે ત્યારે એકવાર તો લાગશે મસમોટી આગ.

અને એટલે રાતદિવસ માથે કરી ગોઠવી દીધી છે
આ ફાયર સેફટિની ડિવાઇસ.

એટલું નહીં રાખી છે અપટુડેટ
ગમે તેવી આગને પહોંચી વળે તેવી.

પાણીનો રાખ્યો છે પૂરતો જથ્થો
તોય સાલું લાગે છે
ગમે ત્યારે લાગશે એવી આગ
કોઈનું કશું ચાલશે નહીં
થશે બધું ખાક.

પણ ઘણીવાર
સીડી ચડતાં ઉતરતાં
પૂછું એકનો એક સવાલ
શું આગ લાગે એટલાં સુક્કાભઠ્ઠ છીએ આપણે ?

આમ જુઓ તો જન્મથી જ લાગેલો છે
બેહદ ભેજ, ક્યાંથી લાગે આગ ?

કેટકેટલાં જન્મોથી
લાગી નથી આગ !

લાગે જો આગ તો આ ફાયર સેફટિ લાગે કામ
જે છે તો બધું સલામત
એ વાત રખે ને પડે ખોટી
એટલે
અંતર ઈચ્છે છે એક આગ.

તમે નહીં માનો પણ
રાખ્યું છે સાથે સર્ટી
ફાયર સેફટિ તો છે કાયમનો રસ્તો.

આગ નથી લાગતી તોય
અને આગ લાગે છે તોય.
ફાયર સેફટિની છે કંઈક બોલબાલા.

એટલે મહત્ત્વ મકાન કેટલું ઊંચું છે એનું નથી
ફાયર સેફટિ કેટલી સક્ષમ છે એનું છે
એટલે જ થાય ક્યારે લાગે આગ ?

જાણે એક આગ રાહ જુએ છે
એક બીજી આગની.

વણનોતરી આગની ક્યાં કમી છે?
ગણતરીના ગર્ભમાં
જીવ્યાની છે આગ.
અંદર બહાર લાગી છે એવી આગ
કોઈને ખબર નથી બેય વચ્ચે શું છે વાત ?

બસ જાણી લેવું ગમે એમ લગાવી દેશે એવી આગ
અને ગમે એવી લાગે
ચૂપચાપ જોઈ રહેવી રાખ
અને પછી જોયા કરવી કોઈ નવી આગની વાત.


0 comments


Leave comment