4.6 - ડસ્ટ્બીન / રાજેન્દ્ર પટેલ


એક જાત જેવી
બીજી રાત સમી
ત્રીજી ભોંયને ભારે પડે એવી છે
ડસ્ટ્બીન.

એક આ પડી ટેબલ નીચે
અંધારું આરોગતી
જે નાખો તે સ્વીકારતી
ઊભી ચૂપચાપ રાતદિવસ
જાણે કશીક સાધના કરતી.

બીજી તો ક્યાં ખોળવા જવી
જાતે જ જાતને બનાવી છે
ડસ્ટ્બીન

ત્રીજી ભોમનીયે ભરાતી જાય છે
મસમોટી કચરાપેટી.

કાગળના ડૂચાથી નવજાત શિશુ સુધી
બધું નાખ્યું
તોયે ડસ્ટ્બીન ના ભરાઈ.

ઓરડામાં કે આકાશમાં
કે પછી પંડે પંડે પાંગરી છે આ ડસ્ટ્બીન
સઘળું આરોગતી.

એ તો ઠીક મારા ભાઈ
છાપાં, ટીવી, કમ્પ્યૂટર અરસપરસના આયનાઓ ને
એવું તપ ઘણુંબધું એમાં.

શું કહેવું હવે ?
નદી, સાગર, કે ભૂગર્ભ
વન, રણ કે ચણ
સાલું કંઈ બાકી નથી.
એટલે થાય છે
કાલે સૂરજ ના ઊગે તો સારું
એક ડસ્ટ્બીન તો બચે!

કાલે શ્વાસ ન લેવાય તો સારું
એકમાં થોડી જગા બચે !

એક ચકલી ભલે ઊડે
એક પાંદડું છો ઊગે
એક બિલાડી છોને રમે
એથી જરાય ભરાતી નથી આ ડસ્ટ્બીન,

ટેબલ નીચે પડી પડી
હંમેશાં એ રાહ જુએ કચરાની,
જેમ આપણે જ આપણી પ્રતીક્ષામાં.

એક ડસ્ટ્બીન હંમેશાં રાહ જોતી હોય છે
બીજી ડસ્ટ્બીનની.


0 comments


Leave comment