4.7 - બાકોરું / રાજેન્દ્ર પટેલ


કેટકેટલી દીવાલો ચણી
સલામતી માટે !

સમયે સમયે દરવાજા બદલ્યા
ચોતરફ કોટ ચણ્યો
ઉપર તાર બાંધ્યા, કાચ જડ્યા
છતાં લાગ્યા કરે છે
ક્યારેક પડશે ક્યાંક બાકોરું.

છાપામાં આવે છે દરરોજ સમાચાર
એક રાતમાં પડ્યાં છે બાર બાકોરાં.
ક્યારેક પડશે બાકોરું અમારી દીવાલમાં
એની બેચેનીમાં અનેક તાળા વાસી
ખેંચી ખેંચી તપાસ્યા.
તોય થયા કરે છે વાસ્યું નથી કશું સરખું.

પહેલા તો નામ પૂરતું તાળું રહેતું
બા કહેતા ‘ઘરમાંથી લઈ લઈને શું લઈ જશે ?’
સાવ નચિંત હતા સૌ કોઈ.

જેમ જેમ વધતી ગઈ સામગ્રી
તેમ તેમ વધતી ગઈ તકેદારી,

ટી.વી. આવ્યું પછી વાડ બનાવેલી
સ્કૂટર આવ્યું ત્યારે કોટ બનાવેલો
ને કાર આવી ત્યારે રીતસરનો મસમોટો દરવાજો
અને કોટ પર વીજળીનો કરંટ ચાલુ કરાવ્યો
તોય લાગ્યા કરે ચોક્કસ ક્યારેક તો પડશે
બાકોરું.
દહેશતમાં ને દહેશતમાં
બધી બારીઓય બંધ કરી,
દરવાજે તો જાણે પવનની પણ પાબંધી.

કેટલા દરવાન સાબદા તોય
થયા કરે ઊંઘી ગયા હશે તમામ.

સીસી ટીવી ને કરંટ બરંટ તો ઠીક છે
રૂમે રૂમે સિક્યોરિટીની બોલબાલા છે રાજા.

છતાં કાફકાની નોવેલ ‘ધ કેસલ’ અને
સિતાંશુની ‘કિલ્લો' કવિતા વાંચવાનો
જબરો શોખ.

અડધી રાત્રે બિલાડી કરે ખખડાટ તોય
જાગી ઊઠે ફડક રે પડ્યું શું બાકોરું?

બાકોરાની દહેશતમાં ઘર પણ
દર હોવાનું ભાસે છે.
*
ઘરની દીવાલો
કોટની દીવાલો
બહાર નીકળો તો પતરાની દોડતી દીવાલો
ધુમાડાની દીવાલો
ને માણસોય જાણે હાલતી ચાલતી દીવાલો

સલામતીનો એવો કેફ
બુરખા વગર બુરખામાં કેદ.

બસ માત્ર બાકોરાની રાહમાં
વરસો વીતે
ઉંમર વધે
આંખે નંબર વધે
સ્મૃતિ ઘટે
ને એયને જાણે દીવાલો વચ્ચે શ્વાસ ખૂટે.

બસ, પડે એક બાકોરું
ને ખૂલે એક બારી
એની રાહમાં ને રાહમાં
ઓગળે છે દીવાલો
જાણે એક બાકોરું રાહ જુએ
બીજા બાકોરાની.


0 comments


Leave comment