4.8 - ઉંદરિયું / રાજેન્દ્ર પટેલ


એક મસમોટા ઉંદરિયામાં
ફસાયો છે
પૂછ વિનાનો એક ઉંદર.

એની સામે ઊભા છે વૃક્ષો
ઉપર છવાયેલું છે આકાશ
આસપાસમાં ઊડે છે ધૂળ,
દૂર સૂરજ - તારા હરેફરે
તોય લાગ્યા કરે એને
જાણે એ છે સ્થગિત
એક અદૃશ્ય ઉંદરિયામાં.

નથી કોઈ દરવાજો બંધ
નથી ચોફેર સળિયા
તોય એને લાગે
એ છે એક ઉંદરિયામાં.

એ લલચાયો હતો
પોતાના પડછાયાઓથી
એણે જ મૂક્યું હતું વિચારોનું મારણ ને
એ જ હવે બન્યો છે જાણે
એનું કારણ.

આવતી જતી ગાય મન ફાવે એમ ચરે
ફર...ર...ર... ઊડે ને ચકલી કે બુલબુલ
ગીત ગાય દૈયડ
અને એયને ચાલે લીલાલહેર
એક માત્ર પોતે જ કેદ અદૃશ્ય ઉંદરિયામાં.

એને છૂટવું છે હવે એ સમજી ગયો છે
નીકળી જવું છે ઉંદરિયામાંથી અને
સપડાવું નહીં કોઈ પાંજરામાં.

ઘણીવાર લાગે છે
દરિયામાં ડૂબ્યો હોત તો સારું
રણમાં ભૂલો પડ્યો હોત તોય ઠીક હતું
જંગલમાં અટવાયો હોત તોય વાંધો નહોતો
આ તો આમ ઉંદરિયામાં.

દરરોજ વિચારોના ટૂકડા લટકાવી
પોતે જ ફસાવે છે પોતાને
એક અદૃશ્ય ઉંદરિયામાં.


0 comments


Leave comment