4.9 - ચિરંજીવ જાળાનું સ્વપ્ન / રાજેન્દ્ર પટેલ
હવે મશાલનેય
બાઝ્યા છે બાવાં
- ને દીવા પાછળનું અંધારું
ઉંમર વધવાની સાથે
અકળાઈને વધ્યું છે.
માટી જોડે માટી થઈ
કોડિયું આખું ઓગળી ગયું
ક્યારામાં ફૂટતું નથી
એક ઘાસનું તણખલું.
મરવા તત્પર ફૂદાંય
એના એ અજવાળાથી
કંટાળીને
ફરતાં નથી
જ્યોતની ચોફેર.
તે ચિરંજીવી જાળાના સ્વપ્નમાં ભટકે
અંધારાને અજવાળું માની
ચૂસે કાળો રસ.
જોઈ મશાલને થાય
લાવ હોલવાઈ જાઉં.
હાથની પ્રત્યેક રક્તવાહિની
અને નખનો આખો વિસ્તાર
વધુ એક રાત
મશાલને સળગી રહેવા વિનવે.
સવારનો ઝગારા મારતો સૂર્ય
મશાલને સમજાવે
“બધું સ્વયંભૂ થતું હોય છે.”
તેથી
કરોળિયો જાળું ગૂંથ્યે જાય
મશાલ બુઝાયે જાય
દૂર ફરકતું ફૂદું આ જોઈ
મશાલ બચાવવા ધસી આવે.
ફૂદાની આંખ,
ફૂદાની પાંખ,
કૂદાનું અજવાળું
મશાલને અજવાળે
પ્રત્યેક ક્ષણે.
0 comments
Leave comment