2 - એક જીવતી કવિતા : બુધસભા / પ્રસ્તાવના / રાજેન્દ્ર પટેલ


    જીવનનો એક વળાંક જ માનોને, એ દિવસ, વાર યાદ નથી. પણ એ સ્થળ, એ દૃશ્ય યાદ છે. બલ્કે અંકિત થઈ ગયું છે સદાને માટે. કોઈક મિત્રની સાથે રાયપુર ચકલાનાં ‘કુમાર’ કાર્યાલયમાં ગયો. ધીરુભાઈને મળવા. હું તો માત્ર ધીરુભાઈને મળવા જનાર મિત્રની સાથે હતો. પણ કોણ જાણે એ ડેલીનું વાતાવરણ મને ઘડીકમાં ઊંડા-ઘેરા ભાવમાં ઘસડી ગયું. ધીરુભાઈનો પરિચય થયો ના થયો ને એમણે પૂછ્યું, ‘કંઈ લખો છો ?’

    ‘અરે ભલા માણસ તો પછી વાંચોને !'
    તે સમયે લખેલી એક રચના કાઢી, ધીરુભાઈના આગ્રહથી ચારેક રચના વાંચી. એમને ગમી અને ‘કવિલોક’ માટે ઉમળકાથી માંગી લીધી. બસ એ સ્થળે અને એ ઘડીએ મારામાં મોટો વળાંક આણ્યો, ભીતરનો અને બહારનોય. હજુ યાદ છે એ પંક્તિઓ....
જાય છે વહી
બધું જ, આમ જ
નખથી નક્ષત્ર સુધી
સ્થિર છે માત્ર
રાત્રીનો પડછાયો ને
મધ્યરાત્રીના ડંકા.

    રસ પડ્યો. ભારોભાર રસ પડ્યો. પહેલીવાર ‘બુધસભા’માં શું ગયો, કાયમની આદત પડી ગઈ. પછી સમજાયું કે પૂર્વસૂરિઓએ પણ કવિતા માટે આવી કાર્યશાળાની આદત પાડી હતી. રહી ન શકાય એવો ભાવ મનમાં સ્થિર થઈ ગયો. કાવ્ય વગર ચાલી ન શકાય એ આ ‘બુધસભા’ના ઘડતરે ઘડ્યું મારામાં. બસ, બુધવારે સાંજે સાત વાગે પરિષદ તરફ પગલાં વળી જ જાય. એક બુધવારની કાવ્યશાળા હજુ પૂરી થાય ન થાય ને બીજા બુધવાર માટે કવિતાના પગરવ થવા માંડે ભીતર. લખાણ ભૂંસાય, વખોડાય, વખાણાય અને ક્યારેક છપાય ન છપાય, પણ એ પ્રવૃત્તિ અને પ્રક્રિયામાં દિલ લાગી ગયું.

    હજુ તો પરિષદનોય પરિચય ન હતો. એ પહેલાં ‘બુધસભા’નો પરિચય થઈ ગયો અને સમજાઈ ગયું સાતત્યપૂર્ણ પ્રવૃત્તિનું મહત્વ. આગળ વધતાં એ ભાવ, સ્વભાવ થઈ ગયો અને એને લીધે પરિષદમાં સમર્પણની ભાવનાથી સાહિત્યના કાર્યોમાં ડૂબી ગયો. એક પગ કાવ્યમાં અને બીજો કાર્યમાં. પણ એ બધાંય વચ્ચે ‘બુધસભા'નો છેડો પકડી રાખ્યો. એથી મારું કાવ્યસર્જન સાતત્યપૂર્ણ રહ્યું છે.

   ધીરુભાઈ ઘણીવાર રચના પાછી પકડાવી લે. આપણને ગમી હોય, ક્યારેક બધાંને ગમી હોય તોય ! એ કહે - હજુ કામ કરો. ઘણીવાર બબડી જવાતું - કેટલું બધું કર્યું તમે જાણો છો ! પણ ત્યાં જ ધીરુભાઈની શીખ યાદ આવે - પરિશીલનનો મહિમા. અને ઉત્તમ કવિઓની રચનાઓમાંથી પુન: પુન: પસાર થવાની ટેવ પાડવી એ.

    સાચી ‘બુધસભા’નો પરિચય હવે થવા માંડ્યો. વિશ્વ સાહિત્યનાં ઉત્તમ સર્જકોની કાવ્યરચનાઓનો આસ્વાદ ધીરુભાઈ કરાવે. પાબ્લો નેરૂદા, એલિએટ, લોર્કીન્સ વિલિયમ, કાલોંસ વિલિયમ, એમિલી ડિકીન્સન વગેરે કેટલાંય કવિઓનાં કાવ્યોમાંથી પસાર થવાનું થયું – ધીરુભાઈને લીધે. રાહ જોવાતી, ક્યારે ક્યા નવા કવિનો પરિચય, પરિશીલન હવે થશે ?

    ક્યારેક એક એક કાવ્યમાં અડધો કલાક પસાર થઈ જાય. પઠન તો બે-ચાર મિનિટ, પણ એની પાછળની વાતો લાંબી ચાલે. એમાં મન ઘડાતું ગયું. અંતર સમૃદ્ધ થતું ગયું. એટલેસ્તો મેં મારા એક કાવ્યસંગ્રહનું શીર્ષક “શ્રી પુરાંત જણસે” આપ્યું અને એના નિવેદનનું શીર્ષક આપ્યું, ‘ભીતરી કાર્યશાળાનો બાહ્ય પાઠ”.

    પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોષમાં સૂર્યોદય’ બુધસભામાં થયેલા સર્જન અંતર્ગત પ્રગટ થયો. અને એ પણ કવિલોક ટ્રસ્ટે આમંત્રણ આપ્યું. એક કવિ તરીકે થયેલું આ ગૌરવ કદાચ હવે પછીના મળવાપાત્ર બધાય ગૌરવ કરતા નોખું જ હશે. બુધસભાએ મને મારી ઓળખ આપી. સારી ઓળખ. એક સર્જક માટે આ તો કેવી અમૂલ્ય વસ્તુ છે એ તો કાર્યશાળામાં બેસે એને ખબર પડે ! પછી તો બુધસભા વગર ચેન જ પડે નહીં. આજે દસ-દસ વરસ પછીયે ગમે એટલું કામ, મહત્ત્વનું કામ પણ બાજુમાં મૂકી દોડી જવાય છે. કારણકે એના દ્વારા મને સર્જનાત્મકતાનો ધક્કો મળે છે.


0 comments


Leave comment