1 - મારી સર્જન પ્રક્રિયા / પરિચય / રાજેન્દ્ર પટેલ
એ કહેવું મુશ્કેલ છે, ક્યારે પહેલો સર્જનાત્મક શબ્દ પાડેલો. ક્યારે પહેલું સર્જનાત્મક વાક્ય રચેલું. ક્યારે પહેલી કવિતા માંડેલી. ચોક્કસ ક્યારે પહેલી વાર્તા રચેલી, એના પર આંગળી મૂકી કહેવું મુશ્કેલ છે. એક ફૂલ ક્યારે ખૂલે, એક પતંગિયું ક્યારે ઊડે એ કહેવું મુશ્કેલ છે. લાગે છે મનની અનપેક્ષિત રોમાંચક, નિરાળી ક્ષણોનો સરવાળો એટલે કવિતા, વાર્તા કે કોઈ પર સર્જન. હા, આ પ્રક્રિયા કેમ રચાઈ હશે એની વાત પાછળથી સમજાય છે એવાં કેટલાંક પરિબળો હવે સમજાય છે. એ બધા સંજોગો, અનુભવો, મારાં સર્જન પાછળ કારણભૂત હશે એમ લાગે છે.
એક વાતની સ્પષ્ટતા કરવાનું મન થાય છે. મારાં સર્જન પાછળ કોઈ રહસ્ય નથી. ઘરનું કોઈ વાતાવરણ નથી. કોઈ વારસો નથી. કોઈ માર્ગદર્શક નથી. જાત સાથેની કેવળ મથામણ છે. મધ્યમવર્ગના સામાન્ય વાતાવરણમાં કશીય વિશિષ્ટતા વગરનું જીવન હતું. નાની વયે દુઃખ, આઘાત, એકલતા, પીડા અને સ્વજનોના મૃત્યુની વેદના મારા સર્જન પાછળનું કારણ હશે. મોટો અને નાનો એમ બે ભાઈ, દાદા અને કુઆના અવસાન મારી નજર સામે થયેલાં. નાની ઉંમરે મરણ શું છે, એ સમજાય એ પહેલા અનુભવ થઈ ગયેલો. લાગે છે દુ:ખે મને પહેલો સર્જનાત્મક ધક્કો માર્યો હશે.
વેદનાનો અનુભવ માત્ર સર્જન માટે પૂરો હોતો નથી. મહત્ત્વનું પરિબળ મારી બાબતે બીજું છે. બેય મિત્ર જેવા ભાઈઓના અવસાનથી સર્જાયેલી એકલતાને લીધે વાંચન તરફ મારું વળવું. ક્યારેક તો રજાના દિવસે બે-બે ચોપડીઓ વાંચી કાઢતો. પાંચમા ધોરણથી જ એકલો નરોડાથી કાંકરિયા ભણવા જતો. સવારે નવે નીકળું તો સાંજે આવતો. ખિસ્સામાં માત્ર પાંચ પૈસા અને અઢળક એકલતા. બાળપણથી જ શરમાળ, ઓછાબોલો, સહન કરવાની આદત અને દુ:ખી લોકો તરફ ખાસ મમતા. એકવાર બસ ભાડાના પૈસા ભીખ માગતા છોકરાને આપી ઘેર ચાલતો આવેલો. પુસ્તકો પ્રત્યેનો લગાવ અને વાંચવાનું ગમતું હોવાને લીધે એક ઘટના ઘટી – દસમા ધોરણમાં પહેલી રચના કરી. પેલી વેદનાને જાણે શબ્દ ફૂટવા, અભિવ્યક્તિ મળી અનાયાસ જ. કશા પ્રયત્ન વગર વાંચનના શોખે ચમત્કાર સર્જ્યો. એમ કહી શકાય. આમ વેદનાએ સમજ અને સંવેદન આપ્યા, વાંચને શબ્દો આપ્યા. દસમા ધોરણમાં પહેલા કવિતા રચી અને પછી ત્રણ વર્ષે પહેલી વાર્તા લખી.
મારી સમજને, મારા શબ્દોને, મારી અભિવ્યક્તિને ઊંડાણ આપ્યું બીજા થોડાક સંજોગોએ. જેમાં બાહ્ય નિરીક્ષણ, શરીરની અંદરની સ્થિતિ અને એક આંતરિક ડૂબકીને લીધે, મને ઊંડાણ લાધ્યું. આમ, હિમાલયના શિખરોએ ડાયબિટિસના અનુભવે અને શ્રી અરવિંદ આશ્રમના વાતાવરણે મને ઘડ્યો. એક બાહ્ય પ્રકૃતિ, બીજી પંડની પ્રકૃતિ અને ત્રીજી મન તથા એની પારની અનુભૂતિએ એક નવું જ પરિમાણ રચ્યું. એમાં ઉમેરાઈ વાંચનને પરિણામે પરિશીલનની ઊભી થયેલી ટેવ. આ ઘટકો વડે મારા સર્જનનો ઘાટ ઘડાતો ગયો.
એમ પણ કહી શકાય જેમ જેમ વેદના વધતી ગઈ તેમ તેમ તેનું સર્જનાત્મક રૂપાંતર સધાતું ગયું. એનું કારણ ગમે તેવી સ્થિતિમાં વિધેયાત્મક દૃષ્ટિકોણ કેળવવાની કેળવણી ઉપરના અનુભવોથી મળતી રહી. સારા-નરસા પ્રસંગો, ઘટનાઓ ચિત્ત પર ઝીલાય અને અંદરથી જે સંવેદના જાગે, તે ક્યારેક તરત શબ્દરૂપ ધારણ કરે તો ક્યારેક ઘણા સમય પછી કૃતિ રચાય. ‘બીએમડબલ્યુ’ વાતાં એકાદ વર્ષ પછી રચાઈ તો ‘બાવીસમી ડિસેમ્બર’ ૩૦ વર્ષ પછી રચાઈ. ‘એક અજાણ્યો ફોન’ માત્ર એકાદ કલાકમાં જ લખાઈ ગઈ. કથાબીજનું સાહિત્ય કૃતિમાં રૂપાંતર થતા આ રીતે જુદો જુદો સમય જતો હોય છે. આ વર્ષો દરમિયાન ‘ચિત્તની કોઢ’માં તે પ્રજ્વલિત રહે અને તેનો ઘાટ ઘડાતો રહે છે.
ઘણીવાર સ્થળનો પ્રભાવ અંદર કંઈક આકાર ઘડવામાં મદદ કરે. દાખલા તરીકે વીરપુર (ખેડા)ના ખડકો જોઈ ‘ખડક’ સૉનેટ એમ જ રચાઈ ગયું. ઓફિસની બારી પાસે હંમેશાં કબૂતર બેસતાં, એ જોઈ જોઈને કબૂતર નામનું કાવ્ય-ગુચ્છ રચાયું. બાળપણમાં પતંગ ચગાવતો હતો ત્યારનો અનુભવ છેક હમણાં કાવ્યરૂપ ધારણ કરે છે,
એ કાપ્યો છે, એ કાપ્યો છે
કપાતા પતંગે અવાજ સાંભળ્યા
એ સ્વગત બોલ્યો,
હું તો જોડાઉં છું
આખેઆખા આભ સાથે.
મારા સર્જનના સ્વ-અનુભવ, બાહ્ય નિરીક્ષણ અને કલ્પનાઓના ઉન્મેષે, હંમેશાં મુખ્ય ભૂમિકા ભજવી છે. એમાં ડાયબિટિસે, જાત સાથે સંવાદ કરવાનો મોકો આપ્યો. એણે મનને મજબૂત બનાવ્યું. સ્વથી સમષ્ટિ સુધીની નવી સમજ આપી. હિમાલયમાં રખડવાના અનુભવે બાહ્ય પ્રકૃતિથી અંદરની પ્રકૃતિ પર પ્રભાવ પાડ્યો. ઉત્તુંગ શિખરોમાં નગણ્ય એવી મારી જાતને જાણે એમની હૂંફ મળી ને નવું પરિમાણ સર્જાયું. શ્રી અરવિંદ આશ્રમના સાંનિધ્યમાં હૃદય સમૃદ્ધ થયું. એક વિધેયાત્મક રૂપાંતરની ચેતનાનો મારી અંદર સંચાર અનુભવાયો. ઘટનાઓ, પ્રસંગો જુદી જ રીતે સમજાવા લાગ્યા. એ બધાને સરવાળે મારી કવિતા અને વાર્તા ઘડાતા રહ્યા.
બે અનુભવ ન થયા હોત તો આ સર્જનાત્મક યાત્રા અધૂરી રહી હોત. એક અનુભવ કચ્છના ભૂકંપનાં રાહતકાર્યોમાં જોડાયો એ. ભૂકંપના એ માહોલમાં રાપર તાલુકાના આંતરિયાળ ગામોમાં કામ કર્યું અને સમાજનો અર્થ નવી રીતે સમજાયો. બીજો અનુભવ સાહિત્ય-યાત્રાનો. નારાયણભાઈ દેસાઈના નેજા હેઠળ આખા ગુજરાતમાં ભાષા અને સાહિત્યના મહિમા અર્થે જે સાહિત્ય-યાત્રા યોજી તેમાં ગામડે ગામડે લોકોના પ્રેમનો અને શ્રદ્ધાનો અનુભવ થયો. સામાન્યજનમાં અસામાન્ય તત્ત્વ જોઈ એક નવું પરમાણ ઉમેરાયું. આ સામાજિક અનુબંધ ન કેળવાયો હોત તો કદાચ મારું સર્જન સાહિત્ય, પરિમાણો હોવા છતાં કેવળ સર્જન રહ્યું હોત, અધૂરું રહ્યું હોત.
પાછળ નજર નાખું તો ૧૯૭૪ની આસપાસનો એક પ્રસંગ યાદ આવે છે, જ્યારે પ્રથમ વાર સુરેશભાઈ જોશીનું વ્યાખ્યાન સાંભળ્યું ને ઘેર આવી પહેલું કામ મારી સેંકડો રચનાઓને નષ્ટ કરવાનું કર્યું હતું. આવી સજાગતા સર્જકમાં જરૂરી છે. એક બાજુ પ્રતીતિનો શબ્દ અભિવ્યક્ત થતો હોય તો બીજી બાજુ સાહિત્યના પરિશીલનથી એમાં ઊંડાણ આવતું ગયું. જેમ જેમ સર્જન વધતું ગયું એમ એમ પરિશીલન વધતું ગયું, એમ એમ સર્જન નિખરતું ગયું.
યુવા મિત્રોને એક વાત કરવાની જરૂર ગમશે. એ વાત આમ તો જીવન સંદર્ભે છે, છતાં મને મારાં સર્જનમાં એની ઊંડી અસર દેખાય છે. ડાયબિટિસને લીધે ખોરાક પરના સંયમથી, જીવનનો એક ગૂઢ અર્થ સમજાયો. દરેક વ્યક્તિએ કાલક્ષેપ કરવાનો હોય છે, એ કરતાં કરતાં જે છે, જેવી છે એવી પરિસ્થિતિમાં આનંદથી જે હાથ પર હોય તે કામ કરતા રહેવું. ખોરાક પરના નિયંત્રણથી જાત પર અને મન પર સકારાત્મક નિયંત્રણ કેળવતા કેળવતા જીવનનો અદકો અનુભવ થતો રહે છે. બીજી ટેવ એ ઓછું ઊંઘવાની અને ત્રીજી ટેવ એ ઓછું બોલવાની. ખપ પૂરતું, અનિવાર્ય હોય તેટલું જ બોલાય તે ઉત્તમ હોય છે. વાણીનો સંયમ. સંયમ શબ્દ ન ગમે તો વાણીનો ખપ પૂરતો વિવેકપૂર્ણ ઉપયોગ, આપણી અંદર એક ઊર્જા પેદા કરે છે. અથવા કહોને ઊર્જાનો વ્યય થતો રોકે છે.એટલું જ નહીં એ નવી ચેતનાનોય અનુભવ કરાવે છે.
આ ઉપરાંત ત્રણ ટેવો પાડવા જેવી છે. જેનો બહુ વિધેયાત્મક પ્રભાવ હું મારા લખાણોમાં પાડી શક્યો છું. એક રખડવાનો આનંદ અને સાહસનો અનુભવ. બીજી આગળ કહ્યું તેમ વાંચનની ટેવ. દરરોજ ૧૫-૨૦ પાનાનું ગંભીર સાહિત્ય વાંચવાની ટેવ પાડી છે. અને અંતે ત્રીજી લખવાની ટેવ. ચોક્કસ સમય, સ્થળે બેસી દરરોજ થોડુંક મૌલિક લખવું. આથી અંદરની જ્યોત પ્રજવળતી રહે. આમ તો આ છ ટેવે મને મારાં સર્જનમાં મદદ કરી છે, પણ એ કોઈ પણ સફળતા મેળવવા માટેની ગુરુચાવી ગણી શકાય.
સર્જન પ્રક્રિયા એક ગૂઢ પ્રક્રિયા છે. સંકુલ પ્રક્રિયા છે. એની વાત સ્પષ્ટપણે કરી શકાય નહીં. ઘણાં બધાં પરિબળો કામે લાગે છે. પરંપરાનો લગાવ, પ્રશિષ્ટ સાહિત્યનું, સર્જાતા સાહિત્યનું અને વિશ્વ સાહિત્યનું પરિશીલન એ એક પ્રબળ પરિબળ છે, તો બીજું પરિબળ અનૌપચારિક મંડળોમાં સક્રિય સામેલગીરીથી અને સર્જનના આદાન-પ્રદાનનું છે. બુધસભા, સુરેશ જોશી સાહિત્ય ફોરમ અને પાક્ષિકી જેવા મંડળોમાં સતત રહેવાથી ઘણું બધું પ્રાપ્ત થયું છે. રવીન્દ્રનાથની પેલી પંક્તિ કહું તો,
My pilgrimage is not
At the end of the road
My temples are all there
On both sides of my pathway.
આમ, મારી સર્જનાત્મક પ્રક્રિયાની ઉપલબ્ધિ કૃતિને અંતે હોય તો હોય, પરંતુ સર્જનનો આનંદ તો એ પ્રક્રિયામાંથી પસાર થતા પ્રાપ્ત થાય છે. મથવું, વિધેયાત્મક રીતે સતત મથતા રહેવું અને ફરી ફરીને સર્જતા રહેવું એ જ જાણે મારી સર્જન પ્રક્રિયા.
0 comments
Leave comment