1 - પ્રકરણ : એક – વસ્તુપ્રવેશ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


    ‘નવા કવિઓમાં રાવજીનો એક આગવો અવાજ છે. ઉપમેય ઉપમાનને અસંગતિના ચકડોળે ચગાવી મારવા હોય, ઇન્દ્રિય સંતર્પક સઘનતા લાવવી હોય, મરણનાં પણ ઇન્દ્રિય સંવેદ્ય રૂપો આલેખવાં હોય કે હાસ્યની છોળો ઉડાડીને વ્યંગને ધાર કાઢવી હોય તો રાવજી લીલયા આ બધું કરી શકે છે.’ [સુરેશ જોશી, ‘નવોન્મેષ’ (પ્ર. આા. પૃ.૧૯૭૧) પૃ.૧૬ પ્રકાશક : ઉપેન્દ્રકાકા, સાહિત્યસંસદ, સાંતાકુઝ, કૃષ્ણવિલા, સ્વામી વિવેકાનંદ રોડ, મુંબઈ-૫૪]

    ‘અકાળે ક્ષુણ્ણ બનેલા એના (રાવજીના) કવિત્વનો ઉચિત ઉત્કૃષ્ટ અંતિમોદ્દગાર આ ગીત (આભાસ મૃત્યુનું ગીત) બની રહે છે.... અનોખા ભાષાકર્મ-કવિકર્મને લીધે ગુજરાતીનું એક મહામૂલું સર્જન એ નીવડ્યું છે.’ [ઉમાશંકર જોશી, રાવજીના ‘આભાસી મૃત્યુનું ગીત’ નો આસ્વાદ, 'સંસ્કૃતિ’ જુલાઈ - સપ્ટેમ્બર, ૧૯૮૧]

    ‘એના અર્થપુરુષમાં અનેક વાંક-વળાંકો, ભાવ-ભંગિમાઓ છે, એ સંકુલ છે, છતાં એના સ્તરેસ્તરની માહિતીમાં ચેતનાનો થડકારો છે. પ્રણયથી મૃત્યુ સુધીની સ્પર્શ રેખાઓને શબ્દબદ્ધ કરનાર કવિ રાવજી પટેલ અનન્ય છે.’ [લાભશંકર ઠાકર, ‘કવિતા’ ઓકટોબર,૧૯૬૮ પૃ.૧૯]

    ‘રાવજીની કવિતા અસ્તિત્વના (આવા) કોઈ ગહનતમ સ્તરે જન્મતા સંવેગો અને સંઘર્ષોમાં મૂળ નાખીને વિસ્તરી છે.... અંગત લાગણીઓનો આટલો સજીવ અને ઉત્કટ ધબકાર આપણા બહુ ઓછા કવિઓમાં સાંભળવા મળશે.' [પ્રમોદકુમાર પટેલ, ’ અનુભાવન’ પૃ.૧૯૩]

    ‘પાંચ સાત કલ્પન, બેત્રણ લય અને મહદ અંશે એક જ પરિમાણમાં રહીને કવિ રાવજીએ જે પરિણામ પ્રાપ્ત કર્યું છે એ એના સમકાલીનો માટે એક
આશ્રર્ય છે." [રઘુવીર ચૌધરી, ‘અંગત’ પૃ.૧૨]

    ‘રાવજીમાં એવી કોઈ કોઠાસૂઝ હતી જેને કારણે રાવજીની કવિચેતના ભાષામાં નિર્વિઘ્ને પ્રસરી કશુંક લીલુંછમ - તાજું નિર્મી આપતી હતી. કવિ રાવજી એની ભાષાથી જાણે જુદો નહોતો.’ [ચંદ્રકાન્ત શેઠ, 'કાવ્યપ્રત્યક્ષ’ પૃ. ૧૯૯]

    ‘એને (રાવજીને) પ્રાપ્ત વાસ્તવયુક્ત ઊંડાણના સંસ્પર્શથી એની રચનાઓ સદ્ય સંવેદનક્ષમ બને છે.એટલું જ નહીં, એને પ્રાપ્ત ભાષામાંનું સહજપણું, સેન્દ્રિયપણું લગભગ અનન્ય છે.’ [ચિનુ મોદી, ‘બે દાયકા ચાર કવિ’ પૃ.૭૫]

    “આજનો સાહિત્યયુગ મને ખંડેર જેવો લાગે છે. ગાંધીયુગ કે મૂલ્યયુગના ખંડેર સમો. એમાં નવું ઘર બંધાવા પર છે. તેના મોભ તરીકે મેં રાવજીને માન્યો (છે).’ [પ્રબોધ ચોકસી]

    ‘આધુનિક ચેતના અને ગ્રામીણ અસબાબને તળપદા સ્તરે જુદી જુદી ભાષાભંગિમાં અવતારતો રાવજી પટેલ સાચુકલો કવિ છે. રાવજીની કવિતામાં નવાપણા સાથેનો સાહજિકતાનો શ્વાસોચ્છવાસ હૃદ્ય છે.’ [ચંદ્રકાન્ત ટોપીવાલા ‘અપરિચિત (અ) અપરિચિત (બ), પૃ.૧૨]

    ‘તેનો અવાજ એ સાચો અર્વાચીન અવાજ હતો અને અર્વાચીન સંવેદનાથી ભર્યો ભર્યો હતો." [ગુલાબદાસ બ્રોકર, ‘ગગન’ અંક ૫-૬, વર્ષ-૧, પૃ.૪]

    ‘અંગતની કાવ્ય રિદ્ધિ સ્વાતંત્ર્યોતર અદ્યતન ગુજરાતી કવિતાનું એક સીમાચિહ્ન છે.’ [ડૉ.દિલાવરસિંહ જાડેજા, ‘વિવક્ષા’]

    કવિશ્રી રાવજી પટેલના સંદર્ભે ઉચ્ચારાયેલા આ તમામ એકમત અભિપ્રાયો ગુજરાતી સાહિત્યની જાગરૂકતાપૂર્વક ખેવના કરનારા વિદ્વાન વિવેચકોના છે. ગુજરાતીના આબાલવૃદ્ધ વિવેચક સમુદાયમાં કોઈ અપવાદરૂપ વિવેચક પણ નહિ મળી આવે કે જેણે રાવજી વિશે, તેની સર્જકતાની અનન્યતાને બિરદાવતું વિધાન ન કર્યું હોય ! "ભાવક પક્ષે એવા અસંખ્ય ભાવકો મળી આવશે જે રાવજી અને તેનાં સર્જનોને મમત્વ અને આદરપૂર્વક ચાહતા હોય છે. રાવજી ગુજરાતી સાહિત્યાકાશનો એક એવો સર્જક છે જેનો સર્જન અસબાબ ભિન્નભિન્ન રસ-રુચિ, સમયગાળા અને મતમતાન્તરો ધરાવતા વિદ્વાનોમાં એકી અવાજે સ્વીકારાયો છે અને તેના સમકાલીનોમાં સર્વોપરી તરીકે સ્થપાયો છે. સુરેશ જોશી જેવા અતિસૂક્ષ્મ દ્રષ્ટા વિવેચકે રાવજીની સર્જનકલા પારખી અને આસ્વાદી છે. તેમજ ગુજરાતી ભાવક સમુદાયને તેની રસાનુભૂતિ કરાવી છે, આવો રાવજી આપણા સાહિત્યજગતનું એક એવું અજાતશત્રુ વ્યક્તિત્વ છે, જે તેના સમકાલીનોમાં દંતકથા સમું લેખાયું છે. અને અનુગામીઓમાં એક રહસ્યલોક તરીકે આદર પામ્યું છે.

    મારા અભ્યાસકાળ દરમિયાન રાવજીના કવિવ્યક્તિત્વએ મને આકષ્યોં હતો અને મોહિત કર્યો હતો. મારામાં ફૂટી રહેલી કવિતાની કુંપળે મને રાવજીનું સર્ગવિશ્વ સંપડાવી આપ્યું તેમ કાવ્ય સામીપ્ય પણ મેળવી-કેળવી આપ્યું. આ પ્રબળ કાવ્યપુરુષ સાથેના પરોક્ષ કાવ્યવ્યાસંગથી મારામાં સર્જનવિષયક સમજ તથા કવિતાની વિભાવનાવિષયક નૂતન અભિજ્ઞા કેળવાયાં. રાવજીના સર્જનક્ષેત્રમાં વારંવાર જેમ હું વિહરતો ગયો તેમ મારામાં તેની કવિતાકલાનાં તેમજ ગદ્યકલાનાં નિત્ય નવીન પાતાળો ઉજાગર થતાં ગયાં અને કાવ્યસમજ વિષયક નવાં નવાં રહસ્યો ઉદ્દઘાટિત થતાં ગયાં. ત્યારથી આજદિન સુધી રાવજીની સર્જન-સૃષ્ટિને એનાં અનેકવિધ પરિમાણો અને પરિણામો સાથે હું અવલોકતો રહ્યો છું. આ મહાનિબંધના નિમિત્તમાં રાવજી દ્વારા વારંવાર પુરસ્કારાયેલી, રમ્ય, નિજી, નિતાંત મૌલિક અને વિલક્ષણ સિસૃક્ષાને જોવા-તપાસવાનું ઔત્સુક્ય રહેલું છે. આ ઉપરાંત અન્ય કારણો પણ છે જેમણે મને આ મહા નિબંધાર્થ શોધકાર્ય કરવાને પ્રેર્યો છે.

    રાવજી ગુજરાતી સાહિત્યનો એક અપૂર્વ સર્જનોદ્રેક છે. વળી તે બલિષ્ઠ સર્જકતા તથા તીવ્ર સર્ગાવેગનો સ્વામી છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જોતાં જણાશે કે રાવજી જેવી સેન્દ્રિય, વૈચિત્ર્યપૂર્ણ, જીવનાર્કરૂપ, નવોન્મેષશાલિની, અદ્યતન સર્જનશકિત બહુ ઓછા ગુજરાતી સર્જકો દાખવી શક્યા છે. તેની આ અપૂર્વ મૌલિકતા અને નિજી મુદ્રાની તપાસ અહીં અભિપ્સિત છે.

    રાવજી તેના પુરોગામીઓ, સમકાલીનો અને અનુગામીઓથી ભિન્ન સંવેદનવિશ્વ ધરાવે છે. તેના સંવેદનવિશ્વની ગતિવિધિ વિશ્વકવિતાના સંવેદનવિશ્વ સાથે અનુબંધ ધરાવતી જેવા મળે છે. તેની આ ગુજરાતી સર્જકતાને તદ્દન અલ્પપરિચિત એવાં તેના નૂતન-અક્ષત સંવેદનવિશ્વનો, તેનાં સંપૂર્ણ સંચલનો-વિચલનો અને વ્યાવર્તનો સાથેનો અભ્યાસ પણ અહીં ઇષ્ટ છે.

    રાવજીનો સર્જનરાશિ અલ્પ છે. એક કાવ્યસંગ્રહ, બે-અઢી નવલકથાઓ, થોડીક ટૂંકીવાર્તાઓ, એકાદ નાટક અને થોડા ઉપલબ્ધ પત્રોમાં તેના સર્જનની ઈતિશ્રી આવી જાય છે. છતાં તેના આ અલ્પ સર્જનમાંય એવાં કયાં અને કેવાં પ્રભાવક તત્ત્વો છે જેમણે રાવજીને એક સફળ કવિ તરીકે સ્થાપ્યો, તેની નોંધ લેવાનું પ્રયોજન પણ અહીં ધ્યાનમાં લેવાયું છે.

    રાવજીનું જીવન અને તેનું સર્જન, એક કવિ કલાપીના જીવનકવનને બાદ કરતાં, અન્ય કોઈપણ ગુજરાતી સર્જકની અપેક્ષાએ સહુથી વધુ અને સ્પષ્ટ રૂપમાં પરસ્પર ગૂઢ-ગાઢ સંબંધ ધરાવે છે. ક્યારેક તો રાવજીનું જીવન અને સર્જન સામસામે ગોઠવેલ દર્પણ-સદશ ભાસે છે. રાવજીના સર્જન ઉપર પ્રભાવ મૂકી દ્વારાં, તેની અંગતતાને સ્કૂટ કરી આપનારાં જીવનગામી તત્વોને વિલોકવા-અવલોકવાનું પણ આ મહાનિબંધમાં મુનાસિબ માન્યું છે.

    રાવજીનાં સર્જનોનું એકથી વધુ વખત, વારંવાર, જેમ જેમ પરિશીલન કરતા જઈએ છીએ તેમ તેમ તેમાંથી નવાં નવાં અર્થ ભાવ-રહસ્ય-રસ પ્રગટતાં જણાય છે. તેમાં કશીક ચિરંતનતાનો સઘન, પ્રગાઢ સ્પર્શ અનુભવાય છે. રાવજીની સિસૃક્ષાને નિત્યનવીન રાખનારું આ તત્વ કયું છે, તે બાબત પણ આ અભ્યાસનું ક્ષેત્ર બની છે.

    રાવજીએ સાહિત્ય અને કલાવિષયક પદ્ધતિસરનું કોઈ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું નથી. કળાવ્યાવર્તનના સિદ્ધાંતોનું પણ તેની પાસે એવું કોઈ વ્યાકરણ નથી. તેમ છતાં તેના કળાનિષ્ણાત સમકાલીનો કરતાં તેના સર્જનમાં બળુકાં પરિણામો નીપજાવી શક્યો છે. આથી પ્રશ્ન એ થાય છે કે વિદ્વતા અને સર્જકતાનો સંબંધ કેટલો સાર્થક યા પરસ્પર ઉપકારક હશે? રાવજીની સર્જકતા સંદર્ભે આ દિશામાં વિચાર કરવાનું પણ ઉદ્દિષ્ટ માન્યું છે.

    રાવજીની સિસૃક્ષાની દિશા અને ગતિવિધિ તેના સમકાલીનો જેટલી જ પ્રયોગશીલ રહી છે,પરંતુ તેની આ પ્રયોગશીલતા તેની સર્જનસભાનતાનું પરિણામ નથી. તે તો તેની કોઈ આંતરિક જરૂરિયાત રૂપે પ્રગટી આવી છે. લાભશંકર ઠાકર યા સિતાંશુ યશશ્ચંદ્ર જેવા સમકાલીન કવિઓમાં પ્રર્વતતી, સર્જક-સભાનતાજન્ય પ્રયોગશીલતા અને આધુનિકતાની પીઠિકા એક વસ્તુ છે, જ્યારે રાવજીની પ્રયોગશીલતા અને આધુનિકતાની પીઠિકા તદ્દન જુદી જ બાબત છે. તેથી તેનાં પરિબળોની તપાસનો મુદ્દો પણ આ મહાનિબંધના વિચાર-વ્યાપમાં સમાવવો અનિવાર્ય ગણાય. તેથી અહીં રાવજીની સર્જનાત્મકતાની પ્રયોગશીલ અભિવ્યક્તિ તથા આધુનિકતાવાદી વલણોની મૂળગામી વિચારણા કરવાનું પણ અભિપ્રેત છે.

    રાવજીની કવિતા પૂર્વેની કવિતાથી જેમ રચનાકલાની દૃષ્ટિએ સંપૂર્ણ રીતે જુદી પડી જાય છે, તેમ તેની અનુગામી કવિતાથી પણ જુદી તરી આવે છે. રાવજીમાં નવોન્મેષી સર્જકીય રચનાકલા પ્રગટી આવેલી દેખાય છે તેનાં મૂળ પરંપરામાં હોય તેથી વિશેષ બહુધા-તો રાવજીના આંતરવિશ્વમાં પડેલાં જણાય છે. તેથી જ રાવજીની આ અપૂર્વતા અભ્યાસીઓ માટે એક પડકાર રૂપ બની છે. આ મહાનિબંધ દ્વારા રાવજીની આ અનોખી રચનાકલાનું તલાવગાહી વિવેચન કરવાની પણ અહીં વિવક્ષા કરી છે.

    રાવજીના સર્જન વિશે ગુજરાતી વિવેચનક્ષેત્ર અનેકાનેક વિવેચકોએ છૂટાં-છવાયાં વિધાનો, પ્રતિપાદનો અને નિદર્શનોનાં ટાંચણો આપ્યાં છે. તેમાં ક્યાંક અત્યુકિતભર્યા તારણોમાં રાવજીની સર્જનાત્મકતાને ગેરસમજપૂર્વક મૂલવવાના પ્રયત્નો થયા છે. તો ક્યાંક અલ્પોક્તિઓ દ્વારા રાવજીને ઊણો ચીતરવાના પ્રયાસો પણ થયા છે. ગુજરાતી વિવેચનમાં આવા એક બલિષ્ઠ સર્જક વિશે એકસાથે, સાંગોપાંગ, સર્વતોમુખી-તલસ્પર્શી અભ્યાસ આપણને સાંપડતો નથી. તેથી અહીં રાવજીની સર્જકતાનું તટસ્થતાપૂર્વક સમુચિત વિવચેના કરવાનો તથા ગુજરાતી સાહિત્યાકાશમાં તેના યોગ્ય સ્થાન નકકી કરવાનો પણ ઉપક્રમ રખાયો છે.

    રાવજીની સર્ગશકિતના ઘોડાપૂરે ગુજરાતી વિવેચનાને પણ પ્રભાવિત કરી છે. તેના સર્જનકર્મને સંદર્ભે ગુજરાતી વિવેચનને પોતાની દશા અને દિશા વિશે સભાન થઈ નવાં ગંતવ્યોની ખોજ કરવી પડી છે. આમ છતાં રાવજીની સિસૃક્ષાનાં ઘણાં પરિમાણો તો હજી ય અણનીરખ્યાં જ રહ્યાં છે. તેને અનુલક્ષી, અનેક નવા અને જુદા દૃષ્ટિકોણોથી રાવજીના સર્જનક્ષેત્રનો અભ્યાસ કરવાની ખેવના અહીં રાખી છે.

    રાવજીની કવિતા, વાર્તા અને નવલકથાઓમાં આાંતર સ્ત્રોત રૂપે સતત વહેતાં રહેલ તેનાં 'માણસભૂખ’ માણસને ચાહવાનો વલવલાટ, માણસ માટેનો ઝુરાપો અને એમાંથી પ્રગટતું માનવતાનું અલગ Aesthetic પણ અહીં યુગકવિના કર્મ લેખે તપાસનો વિષય બન્યું છે.

    તે ઉપરાંત, રાવજીની સર્જનશક્તિના આ બહુવિધ ઉન્મેષોને સાહિત્ય પદાર્થો લેખે તેમનાં વિષયવસ્તુ, નિરૂપણરીતિ, રચનાપ્રક્રિયા અને ઉપાદાન સંદર્ભે વિશ્લેષી જોવાનું પણ વિચાર્યું છે.

    અભ્યાસની સરળતા અને સ્પષ્ટતા ખાતર પ્રસ્તુત મહાનિબંધને સાત પ્રકરણો અને બેત્રણ પરિશિષ્ટોમાં વિભાગ્યો છે. હવે પછીનાં પ્રકરણોમાં રાવજીના જીવન અને સર્જનને ઉપર નિર્દિષ્ટ પરિકલ્પનાના પ્રકાશમાં અને વ્યાપમાં જોવા – તપાસવા – સમજવા – મૂલવવાનો ઉપક્રમ છે.


0 comments


Leave comment