54 - આપણે જ આપણાથી શરૂઆત કરીએ.../ અનિલ વાળા


આપણે જ આપણાથી શરૂઆત કરીએ કે દરિયામાં દરિયો થઈ તરીએ....
ન્હાવું જ હો આખરે આપણે તો ખાડા-ખાબોચિયામાં શું કામ ઊતરીએ ?

દરિયાને કાંઠે જે પગલું માંડો તો પગ ‘હોવા’ જેવુંય ભાન થાય,
શેલ્લારા લેતાં આ પાણીને જોઈને આંખો આકાશ બની જાય !
ધુમ્મસ બનીને પછી ધુમાડો થઈને પછી વાદળું બનીને પછી થોડુંક ઝરમરીએ !

ખળખળતાં વ્હેણોનું એવું કે આપણે તો ઈચ્છા અનિચ્છાએ તણાતાં જાવાનું નીત,
ધૂબકો મારો તો અહીં એવું તો થાય કે, ફરતી ચણાય જાય પાણીની ભીંત !
આપણે તો બસ આમ આખ્ખો દિવસ ફીણ મોજાંને ખિસ્સામાં ભરીએ !
આપણે જ આપણાંથી શરૂઆત કરીએ....

આઘાં જઈએ તો સાવ કાચાં આ કાળજાંને જળચરની બીક બહુ લાગે,
મન વળી આપણને ઊંડે લઈ જાય અને તળિયાંનાં મોતીડાં માગે.....
તળિયાં લગણ ના પૂગીએ તો કાંઈ નહીં અધવચ સુધી તો હવે સરીએ...
આપણે જ આપણાંથી શરૂઆત કરીએ...

છબછબિયાં કરવાના મોહમાં કોક વાર આંગણે જ દરિયાને સુક્કાવા મેલીએ,
ને આપણી જ આંખોની સામે આપણા જ દરિયાને બીજો લઈ જાય એની ડેલીએ....
આવું ના થાય એની કાળજી ખાતર હવે દરિયો પહેરીને પછી ફરીએ...
આપણે જ આપણાંથી શરૂઆત કરીએ...


0 comments


Leave comment