55 - આપણે તો બસ.... / અનિલ વાળા


આપણે તો બસ આમ આખ્ખો દિવસ ફીણ મોજાંને ખિસ્સામાં ભરીએ...
નવરાં નવરાં તે શું કરીએ ?

ઘરડાઓ બોલ્યા કે, દરિયાને જોવામાં
થોડીક જ રીત તમે રાખો તો સારું ;
દરિયામાં પાણી છે એય વાત સાચી
પણ પાણી છે ઘૂઘવાટ ખારું.--

દરિયાની પાછળ કૈં ગાંડા થવાય નહીં
વગર મોતે તે શીદ મરીએ ?
નવરાં નવરાં તે શું કરીએ ?

તમે જનમોજનમ કરો ફીણ-મોજાં ભેગાં
તો થાય કેટલાંક ફીણમોજાં ભેગાં ?
પરપોટાં વીણી લોક બુઢ્ઢાં થયાં રે
તોય સામેથી મળ્યાં છે ઠેંગા !

દરિયાની જાત સામે સીધો હિસાબ માંડી
પાંચ-દસ પરપોટા ધરીએ...
નવરા નવરા તે શું કરીએ ?


0 comments


Leave comment