58 - દરિયાનું ગીત / અનિલ વાળા


દરિયો મારી મૂઠ્ઠીમાં છે, દરિયો તારી ચિઠ્ઠીમાં છે, દરિયો મારાં ગજવામાં છે ને દરિયો હોડીમાં
સાંજુકી વેળાનાં પ્રેમી કાંઠા ઉપર ફરી રહ્યા હો, તે વેળા થાતું કે દરિયો છે દરિયો જોડીમાં !

ઉપર-નીચે દરિયો દરિયો, ભીતર ઊંડે દરિયો દરિયો, દરિયો અંદર બ્હાર દરિયો, દરિયો સૌની આગળ પાછળ
શબ્દે શબ્દે ઊમટ્યો છે તે અઢળક અઢળક દરિયો દરિયો, ગીતોનાં પછવાડા ફળિયે ને દરિયો છે કાગળ પાછળ.

જુવાનનાં જંતરમાં દરિયો, દરિયો રાવણહથ્થે દરિયો, ઘૂઘવતા મલ્હારે દરિયો ને, દરિયો છે ગોડીમાં....

જીવતરનાં ઝાકળમાં દરિયો, વેલ તણાં વળવળમાં દરિયો, શ્યામલિયાં વાદળમાં, દરિયો દરિયો તીખી પળમાં દરિયો,
ટળવળતાં મૃગજળમાં દરિયો, હરણાંની ઠેકે છે દરિયો, મોરલિયાની ગહેકે દરિયો, દરિયો યાને જળમાં દરિયો.

પશુ અને પંખીમાં દરિયો, કલરવના કંકાશે દરિયો, માળામાં બંધાયો દરિયો, દરિયો છે કોડીમાં...

આંગળિયુંનાં વેઢે દરિયો, માછલીઓનાં પેટે દરિયો, સૂરજના દેશોમાં દરિયો ને દરિયો ખટકે છે પ્હાનીમાં,
માએ સીવ્યું એક ગોદડું એની તો કાનીમાં દરિયો, દરિયો છે જ્ઞાનીમાં દરિયો, દવે અને નંદુમાં દરિયો, દરિયો છે જાનીમાં

શેરીની સિટ્ટીમાં દરિયો, હાઈ-હલ્લોનાં કિલ્લે દરિયો, ગાડાંનાં ચીલે છે દરિયો, મોટામસ સૂસવાટાં મારે છે દરિયો છોડીમાં.


0 comments


Leave comment