59 - આંખ્યુની ડેલીએથી.... / અનિલ વાળા


આંખ્યુની ડેલીએથી ઊંડો અવસાદ હવે ઊનાં તે જળમાં ઊતરિયો....
સખીરી ! હવે રણનો પર્યાય એક દરિયો....

માછલીની જેમ ખૂબ તરફડતાં નયનોને
જળની સગાઈ હવે સાંભરે;
ભૂખી રેતીમાં જઈ તપતો સૂરજ મારો
ઊંટ થઈ ભીતરમાં ભાંભરે....

સૂસવાતાં ધોધમાર લુખ્ખા મરૂત જાણે જીવમાં ફરે છે કોક ગરિયો.....
સખીરી ! હવે રણનો પયાય એક દરિયો....

કાચી સોડમ મારાં શ્વાસોમાં મધમધતી
કરમાતો ફૂલોનો કાફલો;
ધરબ્યો છે કેટલો ઝાંઝવાંનાં પેટાળે
ટળવળતી ઇચ્છાનો રાફડો....

ગાડું ભરીને કાળી ચીસોનો ગંજ આજ મેં તો છે મારામાં ભરિયો....
સખીરી ! હવે રણનો પયાય એક દરિયો.


0 comments


Leave comment