60 - પાંખ વિનાનું પંખી / અનિલ વાળા
પાંખ વિનાનું પંખી ઊડ્યું ફરફર ફરફર ફર.
ભુક્કો થઈ પાણી પથરાયું ભરભર ભરભર ભર.
ક્ષિતિજની પેલી બાજુથી હું જ મને બોલાવું,
પડઘાઓનું નગર લપસણું, કેમ કરીને આવું ?
એક હાંકથી ઈશ્વર ધ્રુજ્યો થરથર થરથર થર.
લાભ-શુભ લટકાવ્યાં મેં તો આંખ્યુને દરવાજે,
કોઈ નહીં આવે તો સજ્યા અવસર કોનાં કાજે ?
બબ્બે મણનાં કણાં ખટકતાં ખરખર ખરખર ખર.
વૃક્ષ વિનાનાં જંગલ જોયાં, ઘર વિહોણાં ગામ,
દેવ વિહોણાં જોયાં મેં તો સૈયર અડસઠ ધામ !
અંત વગરની કથા કરું છું. હરહર હરહર હર.
0 comments
Leave comment