61 - જળને પૂછયું.... / અનિલ વાળા


જળને પૂછ્યું, સ્થળને પૂછ્યું, મેં પૂછ્યું ઝળહળને...
હું કોણ છું ? શા માટે છું ? શીદ ને આવ્યો ?
પૂછયાં પ્રશ્નો અકળને....

શા માટે આ દિવસ રાત છે ?
શા માટે છે શ્વાસો ?
અઢળક ઊંડાં મારાં તળિયે
કોણ મોકલે જાસો ?

ફૂલને પૂછ્યું, ફળને પૂછ્યું, પૂછ્યું સૂષ્ટિ સકળને...
હું કોણ છું ? શા માટે છું ? શીદને આવ્યો ?
પૂછયાં પ્રશ્નો અકળને...

શું છે બીજનું વજૂદ શું છે ?
શું છે વન-વૃક્ષોની લીલાં ?
શા માટે આ સૂર્ય સૂર્ય છે ?
કોણે ધરતીમાં ધરબ્બા છે ખીલા ?

પળને પૂછ્યું, છળને પૂછ્યું, પૂછ્યું વડવાનળને...
હું કોણ છું ? શા માટે છું ? શીદને આવ્યો ?
પૂછયાં પ્રશ્નો અકળને...


0 comments


Leave comment