62 - હું તો પૂછી પૂછીને... / અનિલ વાળા
હું તો પૂછી પૂછીને મારો કાઢું છું ઘાણ
પ્રશ્નોનું હોય શું આવડું ખેંચાણ ?
ઝાડ શું ? પાન શું ? મૂળિયાં શું ? ડાળી શું ?
શું છે આ બ્રહ્માનો અર્થ ?
દરિયાનું દરિયાપણું જો હોય સાચું તો
પરપોટા શા માટે વ્યર્થ ?
એકે’ જવાબની મને નથી સ્હેજેયે જાણ
પ્રશ્નોનું હોય શું આવડું ખેંચાણ ?
પ્રશ્નોનાં મૂળમાં જવાબ છે કે ઉત્તર દે
શું છે આ ઉત્તરનો ભેદ ?
ભીતર અમૃત સમું પાણી જો હોય તો
કોચલું છે શા માટે આટલું અભેદ ?
હું તો હંકાર્યે જાઉં છું રેતીનાં ભરોસે વ્હાણ !
પ્રશ્નોનું હોય શું આવડું ખેંચાણ ?
0 comments
Leave comment