64 - ‘વિતાન’ ‘સુ.દ.’ બીજ’ ની એક છોકરી ... / અનિલ વાળા


એક છોકરીને તડોતડ ફૂટી જુવાની !
બગીચાઓ આવી એના પગલાં સૂંઘે અને ફૂલો સૂંઘે છે એની પ્હાની.

છોકરી તો ચોમાસાથી સાવ રે અજાણ
અને અણજાણી પર્વતના શૃંગથી,
વાદળાંનો કડેડાટ ગભરાવી મૂકે એને
એ તો ગભરાતી વંઠેલી ઊંઘથી !

સિટી, સિસકારા ને આંખનાં ઇશારા - બધું સમજે એવીય નથી જ્ઞાની.
એક છોકરીને તડોતડ ફૂટી જુવાની !

બાધી બનીને એ તો ઋતુઓને નિરખે
ને નિરખે છે ચંદા-ચકોરને,
મૂંઝાતી-ભીંજાતી જોયાં કરતી રે એ તો
વંડીમાં કાણું પાડીને જોતાં ચોરને !

માગું લઈ આવનારા લોકોને બાપ એનો કહેતો કે છોકરી છે નાની !
એક છોકરીને તડોતડ ફૂટી જુવાની !


0 comments


Leave comment