66 - ને તમે યાદ આવ્યાં... / અનિલ વાળા
સ્હેજ વીજળી ઝબકીને તમે યાદ આવ્યાં
જાણે ચમકારે મોતી હજાર પ્રોયાં રામ
એક ટીપું ટપક્યું ને તમે યાદ આવ્યા.
ગીત અમથું ગાયું ને તમે યાદ આવ્યાં
જાણે દરિયા પર લહેરોની દોડ મારાં રામ
સ્હેજ પાંપણ ઝૂકીને તમે યાદ આવ્યાં.
જરા કંકુ ખર્યું ને તમે યાદ આવ્યાં
જાણે સૂરજનાં કાંગરાઓ ખરી પડ્યા રામ
એક પીંછું દીઠું ને તમે યાદ આવ્યાં.
એક ફૂલડું ફોર્યું ને તમે યાદ આવ્યાં
જાણે ફોરમનાં ફૂટ્યાં પાતાળધોધ રામ
એક ભમરો ગૂંજ્યો ને તમે યાદ આવ્યાં.
0 comments
Leave comment