69 - શબ્દ જયારે... / અનિલ વાળા
શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે,
ભૂલથી માણસ પછી સઘળુંય બોલી જાય છે.
એક શમણું જિંદગીમાં આદમી સેવે પછી,
એ જ શમણું આખરે એને જ ઠોલી જાય છે.
ઝાડ પરથી આમ પંખીને ઉડાડી નાખ મા,
એ ઉડીને યાદનું આકાશ છોલી જાય છે
રોજ જખમોમાં ભરી દેતો ગઝલ થોડી ઘણી,
તોય. ભીતરથી કલેજુ કોણ ફોલી જાય છે ?
બોલતો ક્યારે નથી પીધા પછી દોસ્તો ગઝલ,
સહેજ બોલું ત્યાં તરત બ્રહ્માંડ ડોલી જાય છે.
0 comments
Leave comment