3 - આંબલીઓ / રાજેશ વણકર


- હેંડ્યને કંચુડી ચેટલી વાર ?
બારેમાસ હિલ્લોળા લેતા પાનમ નદીના ડેમથી આગળ તૂટી ફૂટી સડકે સડકે ચાલ્યા જાવ તો આગળ ડુંગરા મોટાને મોટા થતા જાય. લીલાને સૂકા પથરાળ ને માટીના ક્યાંક બકરાં ભરેલો ડુંગર તો ક્યાંક રખડતા ઢોર વાળો. ક્યાંક તો સનેડો, ટીમલી કે વિક્રમ ઠાકોરના ગીતોથી ડોલતા ડુંગરાય મળે. છેક ત્યાં ઝાડી ઝાંખરા વચ્ચેથી કેડી ચડતી છોકરીએ બે પથરાની ફાટમાંથી ડોકુ કાઢીને અડધેક ડુંગરે જરા સપાટ જગ્યાએ બાંધેલા છાપરા સામે આ રાડ નાખી હતી.

- એ આઈઈ આ દોયડી નેમ હોધું સુ....
તાડના પાઠાંથી લદાયેલા છાપરાને ઝીલતી થાંભલીઓ ફરતે ભરેલા કરોંઠોંના બાકોરામાંથી કંચુએ ડોકું કાઢયું.
- લે તું કેતેલી દોયડીને ઓંહડો બધુંય સે એટલે ઉં ના લાયી. બોલતી પેલી છોકરી ઢોળાવના ખેતર ફરતી વાડ વીંધીને છેક છાપરે આવી ઉભી.
- ઉં જાણું સું તારા ખેલ, તું દાદાના ખાટલેથી જ આંઠે આંઠે વાઢી લાવે એટલે તને ના કયું. ફેલોં ફેરવતા આાથના આંબરા સડે સે. દોયડી એમનેમ થોડી બને સે ? ને પસી ડંડા તો મનેય પડે ને ! ઘરમાં દોરી શોધતાં કંચુ બોલી.

- તે કાતેડા ખાવાના તે ડંડાય ભેગા ખાવા પડે. બઉ મોટી શેઠોંણી ના જોઈ હોય તો. વાડામાં નાવણીયા પાસેથી ગલગોટાનું ફૂલ તોડતાં પેલી છોકરીએ કહ્યું.
- અલ્યો સોરીઓ ઘેરેથી જ વઢવાનું સાલ્યુ. કોતેડે જતા હુધી તો સોટલા જ ખેચવાનીયો સે.

બે અલ્લડ યુવતીઓના મીઠા ઝઘડા વચ્ચે રોટલા ટીપતાં ટીપતાં કાશી કાકીએ મોટઈ દાખવી.
- એ... તું રોટલા જ ઘડ્ય અમારી વાતમાં માથું મારે સે તે પાસી. દોરી લઈને દોડતી વાડામાં આવતાં કંચુએ કહ્યું.
- એ હારું રોટલા ખાવા આવો પસી. આલુ મોટા મોટા રોટલા.
- તે ખઈસું જ ને, તું ની આલે તો ઘડતાંય આવડે સે. કહેતા વાડામાં ભરવેલો વાંસ એક હાથે ઝાલીને ખેંચીને બીજા હાથે કંચુએ આંકડીને ટોચ પર ગોઠવી.
- રેવા દે ન કંચુ તુય નોંની નોંની વાતે બઉં દોંત કાઢે સે. પેલુ ફૂલ ઘાઘરાના નાડામાં ખોસીને આંકડી ગોઠવતાં છોકરીએ કંચુને ટાઢી પાડી.
- હારું લે હેડ્ય મધુ દોયડી હોમેં ઝાલ્ય તુય ઠોંસ્ય વાટ્યા વગર. દોરીનો એક છેડો છોકરીના હાથમાં આપતા કંચુએ દોરી વીંટવા માંડી.

- પણ આ બોંકુ તો થોડું જાડું લેવુંતું, ઘોળ તોડતા ફોહાશે તો.
- ઉં સું ને તું સું કોમ ચિંતા કરે કહેતાં વાંસ સાથે બોંકાને બાંધતી દોરીને ગોંઠ મારતા ઉમેર્યું લાય લોટો પોંણી.
ત્યાં તો મધુએ ભરેલો લોટો રેડવા જ માંડ્યો.
- લે આાથ ફેરય હેંડ્ય.

કંચુના મસ્તીભર્યા હાથ દોરી પર ફરતા હતા અને મધુની ધાર.... ત્યાં તો રસોડેથી અવાજ આવ્યો.
- સોરીઓ કુવેથી બેડાં લઈને ડુંગરા સડતા કેડ નહીં દુખતી ? ઢુકડું સે તે લોટા રેડો સો ?
- લાય બીજોય લોટો કંચુએ માને અકળાવી ત્યાંતો લોટાવાળા હાથે તાયથો જ લઈને બહાર આવતી કાશીકાકીને જોતાં બેય જણીઓ થેલીને આંકડીઓ લઈને ડુંગરો જ ઉતરી પડી જાણે ફરરરર... ફૂ પાછળ કાશીકાકી અડધે જ અટકી ગયાં પણ શબ્દો એ છોકરીઓ પાછળ દોડતા હતા. ડુંગરા ઊતરતા હતા.

- તમને કોઈ રાખવાનું નહીં હો. ફાટી જીઓ સો તે પણ મને યાદ કરજો હોંકે...
- એ તું તારી હાહરી હંભાર્ય અમારી હાહરીની ચિંતા કર્યા વગર. છેક બીજા ડુંગરાના ઢોળાવ પરથી કંચુનો અવાજ આવ્યો.

વસંતઋતુ, અલ્લડ છોકરીઓ, ડુંગરે ડુંગરે વાંસથી વાયરે ઝૂમતા કેસૂડા, ફાલેલા શેમળા ને કણઝમાં ત્રીજે ટેકરીએ નેળીયેથી કંચુએ હાક દીધી.
- હેંડ્ય ધમલા આંબલીઓ ખાવા.

ધમલો તો બાળપણનો ભેરૂ, હેંડવા શીખ્યો ત્યારથી સાથે જ ઉછરેલાં. બૂમ સાંભળીને. કેડ્યે વીંટેલો રૂમાલ ફંગોળી ચડ્ડી ચડાવતો ધમલો છાપરાની બહાર નીકળ્યો. રસ્તે થઈને આવે તો એ ધમલો નહીં, પાતળો સોટા જેવો મુંછનો દોરો ફૂટવાને હજું ઘડીકની જ વાર હોય એવો એક જ હડી કાઢીને વાડામાંથી કૂદયો. સીધો જ નેળિયામાં. જાણે કોઈએ ઘરમાંથી પથરો નાંખ્યો હોય એમ.

પછી તો ત્રિપુટી વગડાની વાટે ચાલી નીકળી.
- ધમલા તારી મા ઓમ તને કૂદતો જોશે તો પસી તારી ટેકરી જ મને ની ચડવા દે. તોફોનમેં પેલો નંબર ને માસ્તર જોડે તો બકરી. કંચુએ ધમલાને હાથ પર લેવા માંડ્યો.
- અરે જો ને આ વખતે તો આખી ગાઈડ જ સડ્ડીમ ઘાલી લાવું તારે ખાલી ક્યું લખવાનું સે એજ બતાડી દેવાનું.
- અરે, એમ સોરીઓ કરીન તો બધાય –
- ઊભી રે, કંચુ, ઉં હાઈસ્કુલ મેં રોજ આવતો નહીં એટલે હો, અને આ નેંદવા-ગોડવાનું કુણ તું કરી જવાની સું ?
- ના ના કંચુ, ઘમલાને આપણા જેટલું તો આવડે જ સે, ચંત્યા નહીં, આપણે રોજ જીયે ને એ કોક દાડો તોય. મધુએ ધમલાનો જ પક્ષ લીધો.
- તું પાસી ધમલા પા થઈજી. પણ આવતા વરહે બોર્ડની પરીક્ષા સે ને કેમેરા ગોઠવસે ખબર સે તને ?

કંચુની વાત સાંભળી બેય ટાઢાં પડ્યાં. પણ ધમલાએ વાત બદલી કાઢી.
- હા હા આવતા વરહે તો થોડું કોંમ કુબેર કાકાને આલીને હું રોજ આવવાનો પણ આજે જવું સે કઈ આંબલીએ એ તો કો ઓંમ હેડ્ય હેડ્ય કરવાનું સે.... ગોંમ તો બે ડુંગરા પાસર રઈ જયું.
- આ તું હેંડ્ય તો ખરો બતાવું. કંચુ એ પાંપણો ઉલાળતા ત્રીજા જ ડુંગરાની કેડી પકડી. આગળ જ થઈ ગઈ.
- હા હેડ્ય આજે તું ચેવીક આંબલીઓ ખવાડે સે એ જોઉં.

ત્રણેય મસ્તીમાં હતાં. વળી કોયલોનો મીઠો હેલકારો વારે વારે એમની વાતોમાં જાણે હોંકારો દેતો હતો. એક સ્વાભાવિક ઉતાવળ એમના પગમાં ભરી પડી હતી. વાટનાં ઝાડી-ઝાંખરાં પગમાં અટવાતાં એનુંય જાણે ભાન નહોતું પેલો કલશોર ને લ્હેરાતા કેસુડાય જાણે આખો વગડો ઝૂમતો હોય એવો ખ્યાલ આપતા હતા.
- પેલા ખાખેડે તુ સડ્ય ?

દૂરના ટેકરે ચારેક ખાટલા સમાય એટલી જગ્યા રોકી ઉભેલા ઉંચા ખાખરડાને બતાવતાં કંચુએ કહ્યું.
- લે, અજુ તું ઓરખતી નહીં મને ?
કેતાંમાંતો ચોથી જ ફલાંગે ધમલો ટેકરે. એક હાથે ઉપરની ડાળ ઝાલી બીજો પગ ડાળના ખાંગામાં નાખ્યો ત્રીજા ને ચોથા ડગલે તો ટોચ પર.
- લે હવે આાય હેડ્ય.

ફૂલોથી લદાયેલા કેસુડા પરથી ધમલે હાક પાડી.
- ક્ય ?
- તમે નેચે તો આવો.
- ઉપર્યથી કુદવાનો તો નહીં ને ?
- હેંડ્ય તો ખરી શું કરે સે એ તો જોઈએ ?
મધુએ કંચુને ધકેલી.

બેય બરાબર થડ પાસે પહોંચ્યાને ધમલાએ આખોય કેસૂડો ભાથીદાદા ચડ્યા હોય એમ ઝંઝેડી નાખ્યો. ને ફૂલોનો તો વરસાદ થયો જાણે એક સામટો કોયલોનો કલશોર થયો હોય એમ મધુને કંચુની હાસ્ય મિશ્રિત ચીસોથી એ સઘળી વનરાજી ઉભરાઈ ઉઠી.

બેય દોડતી દૂર જઈ ઉભી.
- હેઠો ઉતર્ય પસી તારો રાગ ઘડીએ. અમે બે સીએ ને તું એકલો એ તો ખબર્ય સે ને ! કંચુએ હાથ લંબાવીને પડકાર ફેંક્યો.
- પણ ના ઊતરું તો ? ધમલો ગાંજ્યો જાય એવો ન્હોતો.
- ક્ય હુંધી ઉપર રેવાનો, પેટમે બલાડોં બોલસે પસી તો નેચે આવશે ને ! કંચુએ ચાલવા માંડવાનો અભિનય કર્યો.
- અને આંબલીઓ ની મલે એ જુદું.
મધુએ વળ ચડાવ્યો.
- હારુ પેટની ભૂખ તો વેઠાશે પણ તમારી જોડે આંબલીઓ ખાવાની ભૂખ તો નઈ વેઠાય હોં. ધમલાએ ખાખેડા પરથી સીધો જ નીચે કૂદકો મારતાં કહ્યું.
વળી થોડી દોડા દોડી થઈ.
ધમલો આગળ ને આ બેય પાછળ. કબજા પર ગળે નાખેલી ઓંઢણીઓ હાથમાં પકડીને બેય દોડી. જાણે બાંધવાનો જ હોય. પણ ધમલો એ ધમલો. દોડીને એક ઘેઘૂર ગોરસ આંબલીના ઝાડ પર ચડી ગયો.
- અવે આવો અને ચેવીક પાડો સો એય જોવું. હું તો આ બેઠો.

ધમલો બે ડાળના ખાંગામાં પગ લબડાવીને બેઠો. બાજુની ડાળખી પર લાલ લાલ બીટકાવાળી આંબલીઓ ઝૂલતી હતી એ તોડી તોડીને ખાવા માંડ્યો.
- ધમલા નહીં છોડીએ હોં !
કંચુને મધુ પણ લાલ લાલ થઈ ગયેલાં.
- શું કરશો ?
- તારી માને જ કઈ દેશું કે પેલા કુબેર કાકાને ત્યાં દારૂ પીવા જેલો.
- મારુ હારુ તમને તો આથમે જ આઈ જ્યું સે, હારુ લો. એમ કરીને ધમલાએ બે બીટકા ગણીને નીચે નાખ્યા.

કંચુનો પીત્તો હવે ગયો. અકળાઈને સીધી આંકડી જ ધમલા સુધી પહોંચાડી. ના પહોંચી એટલે ઘાઘરીનો કાછડો માર્યો ને ડાળ ઝાલીને સીધી અડધે પહોંચી. મધુ પાસે આંકડી માંગી ને ધમલા તરફ લંબાવી ધમલાએ આખી આંકડી જ ખેંચી લીધી.
- લો અવે પાડો આંબલીઓ ને મારો આાંકડીઓ.

કંચુ ઢીલી પડી ગઈ પણ હારે તો કંચુ નહીં. એ સીધી બીજી ડાળે થઈને પહોંચી ધમલાવાળી ડાળે. ધમલો તો પાકો ખેલંદો. એ ઝાલીને લબડ્યો નીચે. કંચુ પાછી વળી ગઈ જાણે કુદશે તો હાથ પગ ભાગશે. પણ ધમલાએ પગ લંબાવ્યો કંચુવાળી ડાળ લગી પહોંચાડવા એટલે કંચુએ એ પગ ઝાલવા પ્રયત્ન કર્યો પણ ઝોલો ખાઈને ધમલો પાછો લટકી ગયો.
- લે ઝાલ્ય.
- એ ઉભો રે તા.
કહેતી કંચુ નજીક આવી, ધમલો અડુ ના અડુ થાય ત્યાં તો ભૂ કરતોક ને સીધો નીચે. મધુ હસી હસી ને થાકી ત્યારે બોલી.
- હારુ હેંડો અવે વઢવાનું મેલો. કોઈનું આથ-ટોટિયું ભાગસે. તો દવાખોનું તો ઠીક ઘરે ડંડા જ પડશે.

મધુએ સમાધાન કરાવ્યું પછી તો આંકડી છોડીને ફરી મજબુત બાંધી. ધમલો પાડવા રહ્યો, કંચુ બતાવવા રહી અને મધુ વીણવા. લાલ બિટકા વાળી ને કાતેડો ને ગોળખો. ધમલો જાણી જોઈને આંબલી વાડમાં પડવા દે અને મધુ અકળાય.
- આ ધમલાનું પોંણી ઉતારવું પડશે કોક દાડો.

વળી બીજી આંબલીએ ગયા ત્યાં નરી ધોળી ધબ આંબલીઓ, દશ બાર બિટકાવાળી ને ફાટેલી, થેલી આખીય ભરાઈ ગઈ એટલે મધુ કે.
- બઉ થઈ અવે ઉસકાતીય નહીં હૈંડો ભાગ પાડી લઈએ.

પણ સાંભળે તો ધમલો નહીં. એણે તો ખેંચે જ પાર રાખ્યો. વચ્ચે વચ્ચે પાછો બીડી સળગાવી લે. એક હાથે આંકડી ઝાલે ને બીજા હાથે બીડી.

મધુ કંચુ ઊંચું જોઈ જોઈને થાકી હતી આખીય લાલ લાલ થઈ ગઈ હતી. જાણે લાલ લાલ બિટકા વાળો કાતેડો જ જોઈલો.
- આાટ આટલી આંબલીઓનું કરશો શું ? મધુએ વાળેલી ઢગલીને ભરેલી થેલી જોઈ કંચુએ કહ્યું.
- શું તે વઘાર ? મધુ હવે અકળાઈ હતી.
- વેંચજો સોરોને, ધમલો ખેંચવામાં તલ્લીન હતો.
- મધલી તું પાસી પેલી રૂપલી જેવું ના કરતી ?
- શું થયું રૂપલીને ? એ અમણાંની ઘર બાર્ય દેખાતી નહીં.

આંકડી અટકાવી બુશટ ઊંચું કરી પરસેવો લુછતો ધમલો બોલ્યો.
- ચંમ ખબર્ય નહીં ગાંમ આખુંય તો જાણે સે. આંબલીઓ ખોબામાં લઈને કોતેડા પર ચોખી જગામાં ઢગલી કરી બેસતાં બેસતાં કંચુ બોલી.
- પણ કોં તો ખરા. ઉ આ ઘઉં વાઢવામ પડેલો એટલે.

ધમલાને થાક લાગ્યો હોય એમ થયું એ થડના ટેકે પગ પર પગ ચઢાવી બેઠો.
- રૂખલી બકરા સારવા આવતી તે આંબલીઓ પાડી લાવતી. એક દાડો ગ્રોમસેવક એને ઘેર આયો અશે. તે આંબલીઓ સખાડી. એને તો બઉ ભાઈજી. તે રૂખલીને કે તારે રોજ આલવાની. પસી તો.
રૂખલી રોજ આંબલીઓ આલવા જતી.
કંચુ એક સ્વાસે પાંપણો ઉલાળતા આખી વાત બોલી ગઈ.
- એને જ્યાં બોલાવે તોં !

મધુએ આંબલીઓમાંથી કાંટા વીણતાં ઉમેર્યું.
- પેલા મોવડોંમ જાય ને કોતેડેય જાય. કંચુએ સ્પષ્ટતા કરતા મર્મભર્યું હસી દીધું.
- હૈં પસી ? એનો બાપો તો વાઘમાર સે એ જોણે તો બેયને વાઢી ન નાખે ! ને હાળો ગ્રોમસેવક મારો બાપ મર્યો તાણે ફોરમ ભરાવવા ઉ એની પાસર્ય ફર્યો તોય ના ભર્યું આવવા દે અવે એની માને હાહુ કરું એ હમજે સે શું એના મન મેં ?

ધમલો આંબલીના ઘોળ ખૂબ તાકાતથી છૂટો પાડતા બોલી ગયો.
- તે તું શું કરવાનો ? એતો રૂખલી ને તો દા’ડાય રઈ જેલા. ને ગ્રોમસેવક પસી ના જ જોવા મલ્યો. આખરે ગ્રોમસેવક ને ઓફીસમેંથી ઝાલ્યો પસી ગોરીઓ લેવડાઈ તાણે.
- હૈં હાળુ એટલે હુંધીની વાત સે !
- તો તું શેતરોં એકલામાં ના પડી રે ને આ બધું જોણ્ય. લે તારું ભાડું, આાંબલી પર કુદકા મારવાનું.
ચાર મોટી આંબલીઓ આપતા કંચુએ કહ્યું.
- કુદકા તો તેય ઓસા નહી માર્યા.
- લે આ તારું ને તારું બંનેને બબ્બે આંબલીઓ આપતાં ધમલો બોલ્યો.
- મને આવી આલવાની ધમલા? વાડ્યના કોટા તો મેં જ ખાધા સે. મધુ રિસાઈ એટલે કંચુએ એને બીજીય એક આપી.
લે આ મારા તરફથી.
આંબલીઓના ત્રણ સરખા ભાગ પડ્યા બિટકે બિટકા, લાલ તો લાલ, ડોંહી તો ડોંહી પછી ઉપર જોતા ધમલો કહે.
- અજુ તો બોવ સે કાતડા ને કાતેડા.
- પણ ચેટલીક તારે જોઈસે ?
- ખાવાનો તો નઈને પડી રહેશે ખોટી ઉં વેંણવાની નહીં તમે બેય પાડો ને ખાવ. મધુ ખોળામાં આંબલીઓ ભરીને ઊભી થઈ ગઈ.

- ના ના મધલી બીજું વિચાર્ય આ ગ્રામસેવક જેવાં ચેટલાંય શેરનાંને આંબલીઓ બોવ ભાવે. આજે પાડીએ ધમલો હોંજે શેર મેં આંટો મારી આવશે અને વેચી આવશે. મજુરી કરવા કરતાં તો આ હારું. કંચુને તુક્કો સૂઝયો.
- અને આપણા હારુ ભજીયોંય બંધાવતો આવશે. મધુએ સંમતિ બતાવી.
- હોવ હોવ હેંડો આપણે તૈયાર.

કહેતો ધમલો વળી બેવડા વેગે આંબલીઓ ખેંચવા માંડ્યો પહોંચી ના શકાય ત્યાં બાજુના ઝાડ પર ચડીને પણ પહોંચ્યો અને આઠ દશ આંબલીઓ પાડવામાં બે બીડીઓય પી ગયો.
- ચ્યમ થાક્યો કે શું ધમલા ? કંચુને લાગ્યું કે આ ભાઈને ધંધાનો વિચાર નથી.
- કૈં નય પણ પેલાંની જેમ નહીં ખેંચાતી ધમલો આંકડીના ટેકે ઉભા રેંતાં બોલ્યો.
- ખસ્ય. તારામ અક્કલ જ નહીં. આ તો કમાવાની વાત સે. લાય આંકડી.
- કહેતામાં તો કંચુએ રીતસર આંકડી ખૂચવીને સટાસટ આંબલીઓ ખેંચવા જ માંડી. કોતેડાવાળી આંબલીઓ ને નેળીયાવાળી આંબલીએ. એમ કરતાં ખોળા ને થેલીય છલકાઈ ગયાં. બપોરે ખાધાપાણીનું પતાવીને નમતી બપોરે ધમલો શેંરમાં જવા ઉભા ડુંગરાવાટે ચડી ગયો.
બીજે દા’ડે હાઈસ્કુલ જતાં ધમલો બગાસાં ખાતો ધીમે ધીમે ચાલતો હતો. મધુ અને કંચુના પગમાં ઉત્સાહ હતો.
- શું થયું કમાઈને રાતે બધું પી નાસ્યું કે શું ? કંચુને ધમલાનો મિજાજ જુદો જ લાગ્યો.
- શું ધૂર્ય કમાવું ને પીવું. ઉં તો રૂમાલમેં આંબલીઓ પાથરીને બેઠેલો લોકોય આયા પણ હારા શે’રવારા મેંઠા વગરના સે. જવા દે ને વાત.

ધમલો ધીમા અવાજે બોલતો હતો.
ઝગડો તો નહીં કર્યો ને તેં ? મધુ એનો સ્વભાવ જાણતી હતી.
- અરે ! ઝગડો શું કરે ? એમની વાતો જ સટકાવારી; આંબલીઓ કરતાં રૂપિયાને વધારે બચીઓ કરે હારી. એકે કે-કોચીસે, બીજો કે કે ઉધરસ થાય એવી સે. તીજે વરી બે રૂપિયામ બધીય લેવા વિચાર કર્યો. શું એનો બાપ અઈ પાડવા આયલો ?
- પસી ? કંચુએ નિસ્વાસ નાખતાં કહ્યું.
- શું પસી, ઉં બેઠેલો તોં બીજા લારીવારા આયા ને ઉં ખસ્યો. બેહવાનું જ ક્ય ? આખરે માગવા વારોં સોરોંને જ વહેચીને આવતો રયો.

નીચેથી પથરો ઉઠાવીને ખાલી ઝાડ પર ઝીંકતાં ધમલાએ જણાવ્યું.
- મારોં હારોં આ બધાંય પેલા ગ્રામસેવકનાં જ ભઈબુનો. એમને ખાતોં આવડતું હોત તો ચેટલી ઓંબલીઓ સે. જવાદે હારોં ની વાત. કંચુએ અકળાઈને કહ્યું.
- ના, ના કંચુ આ આંબલીઓ તો આપણે જ પાડવાની...ને ખાવાની.
એમ કહતોકને ધમલો સીધો બાજુમાંની આંબલીએ ચડી ગયો.
- પણ શું કરવા ? ધમલા તું ગોંડો તો?
- ના ના ગોડો પેલાં અતો અવે નહીં, અવે તો હારી હમજણ મલી કે આ બધુ આપણા હારું ભગવોને બનાવ્યું સે જીભના સટાકા વારો માટે નંઈ લો આ પાડું ભેગી કરો.

- આપણો બકરાં ખાશે ને તો લોટો દૂધ વધારે આલશે. અને એય વગડે કુદ્યા-કૂદ કરી મેલશેં. લવારોંય વરહમેં બેં બેં કરતાં મોટા થઈને દૂજતાં થઈ જશે ખબર્ય સે કંચુ ?
ધમલો હાથે હાથે આંબલીઓ તોડીને સીધો નીચે ઘા જ કરવા માંડ્યો આ લે લાલ બિટકારી, આ લે કાતેડો, આ લે ગોળખો....

અને આંબલીઓ પણ જાણે સ્કૂલનો ઘંટ વાગે એ પહેલાં ખોળા ઉભરાવી દેવાના હોય એમ ટપોટપ રઘલાના હાથમાંથી વરસવા જ માંડી. ગોરસને કોપરાળી, લાલને કાતેડા....

ઘડીક સ્તબ્ધ થયેલી ને પછી ઉત્સાહમાં આવીને દોડાદોડી કરતી અને ખોળા ભરતી કંચુ અને મધુના ગાલ પણ રાજીપાથી લાલ લાલ થઈ ગયા. જાણે આંબલીઓના લાલ લાલ કાતેડા જ ના હોય એમ !


0 comments


Leave comment