૨૯ વાવણીનું ગીત… / રમેશ પારેખ


મોર પાળ્યા મેં કંઠમાં, સોનલ....
આભને તમે આંખમાં કાળે સોયરે ઘેર્યા
ધોમ ઉનાળો વચલી વેળા વરસે તાતી ધારે

પીળચટ્ટે ગોરંભ ખાલીપો ત્રાટકે એવી ઝીંક
કે ભેખડ મૂળથી ખાંગી થાય
એક હોલાના ઘૂકના રેલે સીમ તણાતી દ્રશ્યની બોખે
ક્યાંય ગોંઠીબાં થાય
વાયરાની હરફર લવક લવકે આખો ડુંગરો નીહળ ભારે

ફળિયા પેઠે વળ ખાધેલા ધૂળિયા કેડે
તરતો આવે ખેતરે નીંભર થાક
બળતા ચાસે કાતળી – કાતળી ચોંપતાં
મારે તળવાયેલાં ટેરવે વળે ઝાંખ
ભૂખરો શેઢો ખખડી ઊઠે ગીત પોરુંકું વાવણી ભેંકારે

મોર પાળ્યા મેં કંઠમાં, સોનલ....
આભને તમે આંખમાં કાળે સોયરે ઘેર્યા
ધોમ ઉનાળો વચલી વેળા વરસે તાતી ધારે.