72 - તું કોણ છે ? હું કોણ છું ? / અનિલ વાળા


છે એ જ પ્રશ્નો રોજ અપરંપાર કે, તું કોણ છે ? હું કોણ છું ?
ક્યાં ઓળખે છે આપણું આ દ્વાર કે, તું કોણ છે ? હું કોણ છું ?

આપ્યું હતું મારું હૃદય મેં તો તને, તું સાચવી પણ ના શકી,
તું કેટલી છે યાર બેદરકાર કે, તું કોણ છે ? હું કોણ છું ?

તેં જે કબૂતર મોકલ્યું સંદેશ તારો આપવા મારાં લગી.
છે એય મારાં અંગ ભારોભાર કે, તું કોણ છે ? હું કોણ છું ?

વાવ્યો હતો જો કે મને તેં આંગણે તારાં ઘણી વેળા છતાં,
ઊગ્યો હતો હું નિત્ય બારોબાર કે, તું કોણ છે ? હું કોણ છું ?

હું તો વરસતો આમ બસ ક્યારેક ખાલી માવઠાં જેવું અને,
તું વરસતી રોજ અનરાધાર કે, તું કોણ છે ? હું કોણ છું ?

શીલા સમું મારું હતું અસ્તિત્વ ખૂંપેલું અહીં, ને ત્યાં વળી,
સ્પર્શ્યા ચરણ ને થઈ ગયો ઉદ્ધાર કે, તું કોણ છે ? હું કોણ છું ?


0 comments


Leave comment