74 - ફૂલો જવાબમાં / અનિલ વાળા


ઊંઘી રહ્યા બધાં સતત એવાં હિસાબમાં,
આવી શકે કદાચ તું ક્યારેક ખ્વાબમાં !

રસ હોય જો તને અગર તું વાંચજે કદી,
મારી કથા લખી હશે તાજાં ગુલાબમાં.

અજમાવતો જ હોય તો, ‘અજમાવ લે, મને’
કસ હોય છે કમાલનો જૂનાં શરાબમાં.

તલવાર જેમ એમણે પૂછ્યું : તને ગમું ?
મેં મોકલ્યાં હતાં પછી ફૂલો જવાબમાં.

જેના ઉપર કર્યા હતા ઉપકાર ખૂબ મેં,
મારું જ નામ એમણે મૂક્યું ‘ખરાબમાં'.


0 comments


Leave comment