75 - ખાય છે / અનિલ વાળા
સત્ય પણ ક્યારેક ખોટું થાય છે,
સાવ આવો કાં અહીંનો ન્યાય છે.
ઓ શરાબી ! તું શરાબી છો રહે,
વૃક્ષને તું કેમ દારૂ પાય છે ?
એક ગાંડો વેદના એની બધી,
રોજ સાંજે ગાલગામાં ગાય છે.
ધૂળધાણી થૈ જવાનું છે બધું,
ધૂળમાં તેથી જ ચકલી ન્હાય છે.
મોતનો મારગ ભલે કાચો રહ્યો,
એ જ માર્ગે છેવટે સૌ જાય છે.
એ બધાંયે અહીં લગી આવી શકે,
ઠોકરો જે કેટલીયે ખાય છે.
0 comments
Leave comment