76 - ‘પ’ ને ઘૂંટવાનાં / અનિલ વાળા
બધા અર્થ પણ આખરે છૂટવાનાં
કદી લાશને આંસુ ક્યાં ફૂટવાનાં ?
તમે ખોલશો પાઠશાળા પ્રણયની,
અમે ત્યાં પ્રણયનાં ‘પ’ને ઘૂંટવાનાં.
તમે તો તમારાંપણું સંઘરો છો,
અમે તો અમારાંપણું લૂંટવાનાં.
કલમનાં સમું કોઈ પણ પાત્ર ક્યાં છે ?
ખરચતાંય શબ્દો નથી ખૂટવાનાં.
બરફનાં હતાં હાથ, તે ઓગળ્યા છે
હવે કેમ ફૂલો અમે ચૂંટવાનાં ?
પછી ભ્રમ બધાં ભાંગવાનાં અચાનક,
અરીસા બધાં સામટાં તૂટવાનાં.
0 comments
Leave comment