78 - વેચાય છે / અનિલ વાળા


જે બધાં સોગંદ મારાં ખાય છે ?
છેતરી તેઓ મને, મલકાય છે.

હું જ છલકાતો નથી દોસ્તો અને,
આંખ છે કે જે સતત છલકાય છે.

કોણ કે’ છે મોંઘવારી છે ઘણી ?
માણસો બબ્બે ટકે વેચાય છે !

આમ જો, ટોળું હવાનું ટેસથી,
લાશ મારી ઊંચકીને જાય છે !

લાખ ગાડાં સામટાં જોડો પછી,
આ સમય થોડોક બસ ખેંચાય છે.

થાય છે જે - તે બધું થાતું મને,
એમને તો ક્યાં કશું પણ થાય છે ?


0 comments


Leave comment