79 - લખવા મથું / અનિલ વાળા


હું તને ગમતી ગઝલ લખવા મથું,
નેત્ર મારાં હું સજલ લખવા મથું.

કોક રસ્તો હોય તો દેખાડજે,
પત્રમાં તાજાં કમલ લખવા મથું.

એક એવા શબ્દને શોધી અને,
વેદના મારી સકલ લખવા મથું.

શાહી ક્યાં છે ? લોહીનું ઝરણું જ છે,
હું મને જખમોસભર લખવા મથું.

સાથ જો તું આપ તો આજે હવે,
એક ચ્હેરો હું અસલ લખવા મથું.

આ ગઝલ આવી રહી જેવું સતત,
એમ બસ એને અદ્દલ લખવા મથું.


0 comments


Leave comment