84 - ક્યાં હવે પ્હેરાય છે ? / અનિલ વાળા
કેમ તું મારો જ સૂરજ ખાય છે ?
સ્વપ્ન મારું કેમ ચોરી જાય છે ?
શબ્દને માર્યા કરે છે તું છરી,
લાશ મારી આંખમાં ફેંકાય છે !
ક્યાંકથી તૂટેલ લય આવી રહ્યો,
કોણ આ ધીમા અવાજે ગાય છે ?
સાંજ થાતાં આમ મારી ભીતરે,
ધૂળધોયું એક પંખી ન્હાય છે.
ને તરસથી હોઠ જો સુકાય છે,
ઝાંઝવું ત્યારે જ તેઓ પાય છે !
આંગળીઓ ઓગળી લખવા જતાં,
કોઈ વીંટી ક્યાં હવે પ્હેરાય છે ?
0 comments
Leave comment