86 - ફરી બને / અનિલ વાળા
તમને ગમે છે એ બધી ઘટના ફરી બને,
છે શક્ય કે જંજીરમાંથી ઝાંઝરી બને.
જાદુ નથી તો શું હશે બીજું, કહો મને ?
હું ફૂંક મારું શબ્દને ત્યાં શાયરી બને.
એવો સમય પણ આવશે જીવન વિશે કદી,
પહાડો સમી અડચણ બધીયે-કાંકરી બને.
આ વેદનાઓ પાડશે વ્રણ કેટલાં હજી ?
એવા મુકામે શ્વાસ છે કે, બંસરી બને.
ગૂંચો ઉકેલું છું હજી એવી જ આશથી,
ક્યારેક તો આ જિંદગી પણ પાધરી બને.
થાયે બધાંની આંખ રટણા રામ-નામની,
સ્વપ્નો બધાંનાં થઈ શકે તો બાબરી બને.
0 comments
Leave comment