૨૩ તમારી પરબ લીલા ઝાડવાની હેઠ…. / રમેશ પારેખ


સોનલ, તમારી પરબ લીલા ઝાડવાની હેઠ
અને રાનમાં અમારા કેડા ભટકે હોજી...

પગમાંથી ઊકલતું જાય રે વેરાન
કોણ જાણે પરિયાણ કઈ દીમનાં હોજી
ઝાડવું જરાક એવા જવનું ઊગ્યું રે
તો ય શેઢા ન કળાય ક્યાંય સીમના હોજી
લીલીછમ આંખમાંથી ખોબોએક પાંદડાનું
જંગલ તડાક્ દઈ બટકે હોજી

તમારી પરબ લીલા ઝાડવાની હેઠ
અને રાનમાં અમારા કેડા ભટકે હોજી

સોનલ, અમારી પરબ લીલા ઝાડવાની હેઠ
કઈ દ્રશ્યમાં તમારા કેડા નીસરે હોજી....

છીપરની જેમ તાતા તડકા ઝિંકાય
મારે કૂબે તો ય હિમની તળાવડી હોજી
છાજલી કરીને અમે પાંપણ્યું પેટાવી
દશે દ્રશ્યની ઝાકમઝોળ દીવડી હોજી
ઝાડવાને પાને પાને ફંગોળાતું આભ
પાછું ખખડીને આવે મારે ઊંબરે હોજી

અમારી પરબ લીલા ઝાડવાની હેઠ
કઈ દ્રશ્યમાં તમારા કેડા નીસરે હોજી.