2.3 - મારા હીરાગલ મોરલા દ્વારા સંયમનું નિરૂપણ / કોયલ બેઠી આંબલિયાની ડાળ / બળવંત જાની


   વાત લખવી છે મોર વિષયક લોકગીતની પણ એના સંસ્મરણોએ ઘેરો ઘાલ્યો છે, વર્ષાઋતુમાં ચિત્તનો કે મનનો કબજો લઇ લેતો હોય છે મોર. મોરની સ્મૃતિ પીછો છોડતી નથી. કથાઓ અને લોકગીતોમાં વણાઈ ગયેલા મોરના ઉદાહરણો સ્મૃતિપટ પર એક પછી એક ઉખળે છે.

   એક લોકગીતનો આરંભ જ જોઈએ :
‘હરિ હરિ તે વનનો મોરલો ગિરધારી,
રાણી રાધા ઢળકતી ઢેલ જીવણ વારી રે...’
   બીજા એક લગ્નગીત-લોકગીતમાંનું મોરનું નિરૂપણ પણ ધ્યાનાર્હ છે. અહીં લગ્નગીતમાં મોરને નિમિત્તે હૃદયની ભાવનાને અભિવ્યક્તિ સાંપડી છે :
મોર તારી સોના કેરી ચાંચ
મોર તારી રૂપા કેરી ચાંચ
સોનાની ચાંચે રે, મોરલો મોતી ચણવા જાય.... ૧

મોર જાજે ઉગમણે દેશ
મોર જાજે આથમણે દેશ
વળતા જાજે રે, વેવાયુંને માંડવે હો રાજ... ૨
   લગ્નગીતની માફક માતા-બહેને હાલરડાંમાં પણ પ્રેમભાવને-સ્નેહને અભિવ્યક્તિ અર્પવા માટે મોરને ખપમાં લીધેલો જણાય છે. અનેક હાલરડાંમાંથી એકાદ ઉદાહરણ જોઈએ :
ચાર પાયે ચાર પુતળિયું
ને મોરવાયે એ મોર, બાળા પોઢોને... ૧

સાવ રે સોનાનું મારું પારણીયું
ને ઘૂઘરીનો ઘમકાર, બાળા પોઢોને... ૨
   બીજા એક લોકગીતમાં મોરને ચીતારેલો હોવા છતાં સજીવ જાણીને હૃદયભાવોને અભિવ્યક્તિ અર્પી જણાય છે :
મારે ટોડલે બેઠો રે, મોર કાં બોલે ?
મારા હૈડા હારોહાર, મારાં દલડા લેરે જાય
જનાવર જીવતા ઝાલ્યા રે, મોર કાં બોલે...
   હૃદયની પ્રસન્નતાને વ્યક્ત કરવા મોરને જ માધ્યમ બનાવ્યું છે. આ રીતે મોર લોકમાનસમાં પ્રેમના, પ્રસન્નતાના અને પૂર્ણસ્વરૂપના પ્રેમના પ્રતિક તરીકે આલેખન પામેલો જોઈ શકાય છે. લોકજીવન અને સંસ્કૃતિમાં મોર કેવો દૃઢ રીતે વણાઈ ગયો છે, કહો કે ભારતીય સંસ્કૃતિનું ગરવું અને ગરિમાપૂર્ણ ગુજરાતી ઉદાહરણ છે મોર.

   કચ્છ-સૌરાષ્ટ્રમાં તો મોર સાથે સંકળાયેલ હોથલ-પદમણીની કથા પણ ખૂબ જ પ્રચલિત છે. મોટેભાગે સૌરાષ્ટ્રના તમામ મેળામાં મોર વિષયક ખૂબ જ પ્રચલિત એક ભારે વિશિષ્ટ લોકગીત વિગતે અવલોકીએ.
મારા હીરાગલ મોરલા ઊડી જાજે (૨)
ઊડી જાજે સામે વડલે જાજે... મારા... ટેક.

મારા કલેજાની કોર, મોર ઊડી જાજે (૨)
મારા ચિતડાના ચોર, મોર ઊડી જાજે ... મારા... ૧

મારા પગ કેરા કડલાં લેતો જાજે (૨)
લેતો જાજે સામે વડલે જાજે... મારા... ૨

મારા હાથ કેરા ચૂડલા લેતો જાજે (૨)
લેતો જાજે સામે વાદળે જાજે... મારા... ૩

મારા ગળા કેરા હારલાં લેતો જાજે (૨)
લેતો જાજે સામે વડલે જાજે... મારા... ૪

મારા દામણી કેરા પારલાં લેતો જાજે (૨)
લેતો જાજે સામે વડલે જાજે.... મારા ... ૫
   મોર કળા કરે એટલે એના પીંછાનો પૂર્ણપણે ઉઘાડ થાય. અહીં મોરલા માટે ‘હીરાગલ’ વિશેષણ છે. કળાસમયે પીંછામાં હીરા જેવી ટીલડીવાળો એટલે ‘હીરાગલ’. સહજ રીતે ભારે રળિયામણા શબ્દો સર્જાય છે અને લોકબોલી રળિયાત થાય છે. આવા તળપદી સંસ્કૃતિની સોડમ પાથરતા શબ્દોથી તળપદી લોકવાણીમાં ભારે તાકાતવાન હોય છે. એના સૌન્દર્ય રહસ્યને પારખવા માટે તળપદી વાણીના બળુકા એવા ગોપીત સૌન્દર્યનો ખ્યાલ હોવો જરૂરી છે.

   લોકગીત આમ તો સાવ સામાન્ય લાગે છે પણ એમાં પ્રણયના ભાવને ભારે કુનેહથી ભંડારી લીધા છે. મોર સાથે પ્રેમ છે, પ્રેમીપાત્ર નજર સામે હોય એટલે બસ, કેવો મોટો સંતોષ અનુભવે છે માણસજાત. પ્રેમીપાત્રને ભલે પ્રાપ્ત ન કરી શકાય પણ એ નજર સામે હોય.

   જીવનની વાસ્તવિકતાને સ્વીકારીને નાયિકા ગીત ગાય છે તેમાં ‘મારો’ શબ્દથી આરંભ છે. મારું છે એને સામે રાખવાની વાત અહીં ગવાઈ છે. મોહિત થવા પાછળનું કારણ હીરાગલ છે એટલે મોરલાની આગળ અને વિશેષણ તરીકે મૂકીને કહે છે કે ઊડી જાજે પણ ઊડીને ક્યાંય આઘે-દૂર-સુદૂર નથી જવાનું, નજર સામે વડલામાં રહેવાનું કહેવાયું છે. મોર માટે સલામત જગ્યા, વડલો, પીપળો જેવા ઘેઘુર વૃક્ષો મનાય છે. પ્રિયપાત્ર સલામત જગ્યાએ હોય એવો ધ્વનિ પણ એમાં નિહિત છે.

   આ મોર કલેજાની જોર અને ચિતડાનો ચોર છે. અહીં મોર વિષયક નાયિકાનો ભાવ બીજી કડીમાંથી પણ ભારે કલાત્મક રીતે પ્રગટ થાય છે. લોકગીતની આ મોટી વિશેષતા છે. ભાવને, હૃદયભાવને સહજ રીતે ભારે હળવાશથી પ્રગટાવવાની.

   નખશીખ વર્ણન પરંપરામાં અહીં પ્રેમીપાત્ર પાસે પોતાની સ્મૃતિ રહે, સામે હોય અને પોતાનું કંઈક એની પાસે તો હોવું જોઈએ ને ? એટલે પગના કડલાં, હાથના ચૂડલા, ગળાના હારના હીરલા અને મસ્તક પરની દામણીના પાર-પારલાં આપી દે છે. પગ, હાથ, ગળું અને મસ્તક એમ જાણે કે સમર્પિત કરી દેવાની વાત પણ કેવી વ્યંજનાથી સંયમિત પ્રકારે ભારે ગૂઢ રીતે અહીં વર્ણવાઈ છે. આમાં સંયમ ભળેલ છે, પોતે તો હવે પારકું ધન છે. અન્યને સમર્પિત થવું પડ્યું છે. પ્રિયપાત્રને માત્ર નજર સમક્ષ રાખીને એનું દર્શન સુખ માણવાની વાત છે.

   ક્રમશ: ઘરેણાં સોંપે છે પણ, સામે રાખે છે, સામે જ રહેલું પોતાની નજર સમક્ષનું પ્રણયપાત્ર, પાત્ર સ્મૃતિચિન્હો રાખે છે. એટલે એક પ્રકારનું સ્મૃતિ અભિયાન એમની પાસે હોય તેવું આલેખન અહીં થયેલું છે. વીંટીની દુષ્યંત-શકુંતલાની કથામાંનું સ્મૃતિ અભિજ્ઞાન અહીં સ્મરણે ચડે છે.

   મોર તો રૂપક છે, પ્રતીક છે. નારી એના પ્રિયપાત્રને કહે છે. સંબોધન મોરને કરે છે પણ હકીકતે તો એની સામે વિહરતા સાક્ષાત પ્રિયપાત્રને જ એ સંબોધે છે, કહે છે. સાહિત્યમાં ગોપનનો મહિમા ખૂબ છે. લોકગીતોમાં ભાવને વ્યક્ત કરીને મૂળને ગોપિત રાખવાનું વલણ આપણાં આસ્વાદ અને અભ્યાસનો વિષય બને તો લોકગીતોનાં ખરો મર્મ અને મહત્તા પામી શકાય. મોરને નિમિત્ત બનાવીને નારી હૃદયનાં મનોભાવોને લોકગીતમાં અહીં ભારે બળવાન અભિવ્યક્તિ સાંપડી છે. લોકપરંપરામાં મોરનું નિરૂપણ લોકમાનસની આગવી મુદ્રા દૃષ્ટિગોચર થાય છે.

   લોકપરંપરામાં મોર જેવા રૂડા-રૂપાળા મનહર-મનભર પ્રેમીપાત્ર અને એને પોતાની સ્મૃતિરૂપ ભેટ-અલંકારો આપીને નજર સામે રાખવાની નારી ઝંખનામાંથી પ્રિયપાત્ર પરનો ચોકી પહેરો નહીં પણ પોતીકાપણાનો ખરા સ્વામિત્વભાવનો હૃદયસ્પર્શી પ્રતિઘોષ સંભળાય છે. આવા પડઘા દ્વારા પડઘાય છે લોકમાનસ-લોકજીવન અને લોકસંસ્કૃતિ. ખરું પૂરું મૂલ્ય છે આવા કારણે લોકગીતોનું. એની વાણીનો મહિમા આવા કારણે વેદવાણી જેટલો જ છે.
(ક્રમશ:...)


0 comments


Leave comment