91 - છાંયડો મળતો રહે / અનિલ વાળા


સત્યને સંભાળતો કે સત્ય સાંભળતો રહે,
તું ય એવી મિત્રતામાં કાયમી ઢળતો રહે.

કેટલાં યત્નો પછી મેં આ સફળતા મેળવી !
જેમ વાળું એમ મારો વાયરો વળતો રહે.

મગ્ન થઈ જોયાં કરું લીલાં તમારી ઓ, પ્રભુ !
છો મશાલો બાદ મારો હાથ પણ બળતો રહે.

શબ્દની તાકાત પાસે બોમ્બ પણ પાણી ભરે,
ઘાવ ઊંડો જન્મનાં જન્મો લગી કળતો રહે.

હો ખજૂરી જેટલો તો પણ મને વાંધો નથી,
લાગણી છે એટલી કે, છાંયડો મળતો રહે.

કોઈ પણ વેળા પડે ના રાત તારાં ગામમાં,
આ ગઝલનો સૂર્ય કાયમ આમ ઝળહળતો રહે.


0 comments


Leave comment