92 - સમી સાંજ છે / અનિલ વાળા
અજવાળાંથી ડગલું આગળ સમી સાંજ છે,
લ્યો, એકાદો કોરો કાગળ સમી સાંજ છે.
આણી પા કોરી ધરતી છે હજી સાંવરે,
ઓલી પા ઘેરાયાં વાદળ સમી સાંજ છે.
તું આવે તો તલપાપડતા મટે જીવની,
હોઠો પર વરસ્યું છે ઝાકળ સમી સાંજ છે.
થોડો ઊંડો થોડો અઘરો – અકળ ભેદ છે,
આવી જા, તું પાછળ પાછળ સમી સાંજ છે.
મુઠ્ઠી ખોલી, આજે સાંજે વિના કારણે,
થઈ જાવાનું ઝળહળ ઝળહળ સમી સાંજ છે.
મારી માટી બોલાવે છે મને આખરે,
હું પણ એને ઝંખું પળપળ સમી સાંજ છે.
0 comments
Leave comment