93 - શૂન્યતા/ અનિલ વાળા
કિલ્લા મહીં પડઘાય છે જીતોની શૂન્યતા,
આખું નગર ક્યારે બન્યું પ્રેતોની શૂન્યતા ?
એકેય બારી, ના હવે એકેય બારણું,
ફરતે અમારી છે નરી ભીંતોની શૂન્યતા.
વેરાન દીસે વન અને વેરાન ઝાડવાં,
કોને સમય છે સાંભળે ચીસોની શૂન્યતા !
ક્યાં છે હવે લયલા અને મજનૂની વારતા ?
સંસારમાં વ્યાપી રહી પ્રીતોની શૂન્યતા.
સાંભળ, અબે ઓ, કાનજી ! લયલીન વાંસળી,
એમાં સતત ગૂંજ્યા કરે ગઝલોની શૂન્યતા.
0 comments
Leave comment