98 - શું કરવાનો ? / અનિલ વાળા


ઊગ્યો છે તો આથમવાનો,
સૂરજ બીજું શું કરવાનો ?

ગઝલોનાં ફંદામાં આવ્યો,
લાગે, આ માણસ મરવાનો !

પોતાનો ફોટો મેલીને,
પોતાને દીવો કરવાનો !

પથ્થર પાદરનો આવીને
આંખો વચ્ચે ખરખરવાનો,

મોત, તને સત્કારું આજે,
હું તારાંથી ક્યાં ડરવાનો ?

ઘેલો માનો તો ઘેલો છું,
હું તો બસ આમજ ફરવાનો,

હૈયું તારું ચોખ્ખું કરજે,
મેળો હું છું ત્યાં ભરવાનો !


0 comments


Leave comment