100 - ગભરાટ હોય તો / અનિલ વાળા


લક્ષ્યને આંબી શકે થનગાટ હોય તો,
શાંત પણ તું થઈ શકે રઘવાટ હોય તો.

ફૂલ ત્યારે થઈ જશે પર્યાય આંખનો
જો હૃદયમાં એકલો પમરાટ હોય તો.

આવશે એ ઘર મહીં કાં આવશે પવન
બારણે સાંકળ તણો ખખડાટ હોય તો.

શક્ય છે કે હોય છળ સુંદર સુગંધનું,
હોય ના સોનું બધું ચળકાટ હોય તો.

લે, હવે કાગળ અને લખ વેદના બધી,
ટેરવાંમાં શબ્દનો ફફડાટ હોય તો.

પી જવાનું પ્રેમથી એકાદ ઝાંઝવું,
જિંદગીમાં કૈંક જો ગભરાટ હોય તો.


0 comments


Leave comment