૫૮ ઓટ… / રમેશ પારેખ


દરિયો વળાવી શું હવે કાંઠે કરે છે ઓટ
ખાલી ખખડતા શંખમાં વેળુ ભરે છે ઓટ

રેતીમાં હું જહાજની જેવો ખૂંતી ગયો
ને મારી આસપાસ બધે વિસ્તરે છે ઓટ

ને લોહીઝાણ આંખ પડી છે ખડક ઉપર
એને કરચલા જેમ જુઓ, કોતરે છે ઓટ

કાળીડિબાણ આવતી કાલો ભરી-ભરી
હોવાને કાંઠે નાવ બધી નાંગરે છે ઓટ

છેલ્લી પળે સમુદ્ર વિષેની ખબર પડી
તેની સભાનતામાં હવે પાંગરે છે ઓટ.