91.14 - મરીઝ / હરીશ મીનાશ્રુ


આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને
(મરીઝ)
= = = = = = = = = =
આ સતત અવગણના એની મ્હેરબાની છે, મરીઝ
સાવ ભીની આંખ ને ભીતર વિરાની છે, મરીઝ

ખુદ ખુદાની આપણા જેવી કહાની છે, મરીઝ
મુખવટો છે ને ઉપરથી આ બુકાની છે, મરીઝ

દર્દની બાબત બહુ મિથ્યાભિમાની છે મરીઝ
ઔષધિ યે કરગરે, કારણ ?- સ્વમાની છે મરીઝ

આપણી યે પંખી જેવી ખાનદાની છે, મરીઝ
માટીનો મનખો ને મન તો આસમાની છે, મરીઝ

છો ને કાયમ કાફિયે રમઝટ રવાની છે, મરીઝ
સ્થિરતા સાધે રદીફે તે જ જ્ઞાની છે, મરીઝ

એક ક્ષણની માનતા તો મેં ય માની છે, મરીઝ
જ્યાં મરણની ટોચ ઉપર જિન્દગાની છે, મરીઝ

આપણે કરતા રહ્યા તૌબા ને એ ભરતો રહ્યો
તેજ છે રહેમત વળી અનહદ તૂફાની છે, મરીઝ

મેં તને જોઈને લડખડવાનો લય શીખી લીધો
બાકી આ બંદાને ક્યાં આદત નશાની છે, મરીઝ

ના, નથી ઓછી મદિરા કે ન ગળતું જામ છે
પણ હકીકતમાં તરસની બેઈમાની છે, મરીઝ

જામમાં છે બે’ક પરપોટા વળી ઝીણી તરડ
કે હવે તો માન, દુનિયા સાવ ફાની છે, મરીઝ

અન્યની મોજુદગી તો છે જ ક્યાં નવખંડમાં
તે છતાં ખંડિત અરીસે ભીડ શાની છે, મરીઝ

આપણે જાચક ને એની બાંધી મૂઠી લાખની
રાખ ધરપત : એ સખી દાતાર દાની છે, મરીઝ

જો, હૃદય ઊછળે કે આ તો એની એંધાણી જ છે
પાંખડી પર કોકના નખની નિશાની છે, મરીઝ

તું જ તો અલ્લાહના નામે ઉલા મિસરો અને
શબ્દના સોગંદ, મારું નામ સાની છે, મરીઝ

તાળીઓના ગડગડાટે ભરસભામાં તું સદા
જે કથા કહેતો રહ્યો તે સાવ છાની છે, મરીઝ

રાખજો ઝીણો ભરોસો આ ગઝલની વાત પર
સાવ મૂંગી એક કન્યાની જુબાની છે, મરીઝ

આ ગઝલ મારી અને મક્તામાં તું, - ક્યા બાત હૈ
સૌ કહે છે આ તો તારી માનહાનિ છે, મરીઝ


0 comments


Leave comment