૬૯ સાંજ વિષે ગઝલ… / રમેશ પારેખ


ક્યાં હવે ભમતી દિશાઓ શોધશે અજવાસને
સાંજની ઝાંખી હવાઓ પી ગઈ અવકાશને

શૂન્યતાએ ઓલવી નાખ્યા અવાજોના દીવા
સૂઈ રહ્યા છે ઘાસનાં મેદાન ઓઢી ઘાસને

સ્વપ્નની માફક સરી ગઈ રેશમી લીલી ભીનાશ
એ સ્મરણ ચડતાં પીળી ખાલી ચડે છે વાંસને

ખાલી વાસ્યાં દ્વાર ખોલીને પ્રવેશે અંધકાર
ને જતાં નીરખી રહું ઠરતા દીવાના શ્વાસને

છે વિચારોમાં એ ઝરણું પણ ભીંજાવે સાંજને
પાણીની સાથે નથી સંબંધ કંઈ ભીનાશને.