2 - પ્રકરણ : બે - રાવજી : જીવન અને સર્જનસંદર્ભ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   જગતની કોઈપણ ઉત્કૃષ્ટ સાહિત્યકૃતિ જેવાથી સમજાય છે કે તેના સર્જનમાં રહેલી પ્રભાવકતા તેના સર્જકના જીવનમાં રહેલાં સંઘર્ષણો, મંથનો અને તીવ્ર અનુભવોએ ઘડી છે. સાહિત્ય કે કળાનું આવિષ્કરણ શૂન્યમાં કે કશા આધાર વિના થતું નથી. સર્જકના જીવન સાથે તેની કૃતિ પ્રત્યક્ષ વા પ્રચ્છન્ન રૂપે જોડાયેલી જણાય છે. સર્જકના ચિત્તમાં ચાલતી ગડમથલો, જીવન તરફનો તેનો અભિગમ, તેના ગમા-અણગમા, અભિગ્રહો અને પૂર્વગ્રહો, માન્યતા તેમ જીવન વિશેનું તેનું પોતીકું દર્શન તેની કૃતિને અનિવાર્યતઃ પ્રભાવિત કરે છે. આ પ્રચ્છન્ન પ્રભાવ કળારસાયણ પામેલી કૃતિને અધિકૃતતા બક્ષે છે. તે ક્યારેય કળાના વ્યાવર્તન યા પ્રવર્તનની આડે આવતો નથી. કૃતિમાંથી તેના સર્જકની અંગતતાને કળાના પ્રાગટય માટેના અવકાશ પૂરતી નિવારી શકાય, બાકી તેની અનિવાર્ય ઉપસ્થિતિને ઉવેખી શકાય નહિ. કૃતિ અંતે તો એના સર્જકનું આંતર પ્રતિબિંબ જ ઝીલે છે. જગતના થોડાક જ મહાન લેખકોને લક્ષમાં લઈએ, જેમકે, ટી.એસ.એલિયટ, ડબલ્યુ.એચ. લોરેન્સ, ટોલ્સટોય, થોમસ માન, જેમ્સ જોયસ, ટાગોર, પ્રેમચંદ, શરદબાબુ, કાન્ત, પન્નાલાલ પટેલ વગેરે; તો, આ લેખકો મુખ્યત્વે પોતાના ઊંડા આત્મસંઘર્ષોમાંથી પોતાના વિષયો શોધી લાવ્યા છે. અંગત જીવનમાં પડેલાં સનાતન તત્વોને શોધીને એમણે તેમનું કળામાં રૂપાંતરણ કર્યું છે. તેથી એમના વણ્યર્યવિષયો, દેખીતી રીતે સીમિત બને પણ તેમની સંવેદનશીલતાના વ્યાપ અને ઊંડાણ અનોખાં જ રહેવાના !

   રાવજીનો સર્જનકાલ જોતાં જણાશે કે તેના વર્ણ્યવિષયો સીમિત છે. કૃષિ, નગરજીવન, પ્રણયનો ઝુરાપો, વિષાદ, રુગ્ણતા, મૃત્યુ- આદિ વર્ણ્યવિષયોની આસપાસ તેના સર્જનનું વર્તુળ પૂરું થાય છે. પરંતુ આ તમામ વિષયોનું તીવ્રતાપૂર્વકનું અનુસંધાન તેના જિવાતા જીવન સાથે રહેલું છે. રાવજીની કવિતા હોય, વાર્તા હોય કે નવલકથા હોય-તેના વર્ણ્યવિષયોનો અંત:સ્રોત એક જ છે, છતાં અનુભૂતિની તીવ્રતા, સઘનતા અને આવેગાત્મકતાનાં ભિન્ન સ્તરોને લીધે કવિતા,વાર્તા કે નવલકથામાં તે જુદાંજુદાં પરિમાણો અને અર્થ લઈને પ્રગટ થાય છે. એક રીતે જોઈએ તો રાવજીના સમગ્ર જીવન અને સર્જનમાં ઊંડી એકાત્મકતા અને સંગતિ દેખાય છે. તેથી, તેનાં સર્જનોની તલાવગ્રાહી વિવેચના માટે પ્રવૃત્ત થતાં પહેલાં રાવજીના જીવન ઉપર દષ્ટિપાત કરવો અત્યંત જરૂરી બને છે. સાથે સાથે રાવજીના જીવન-આલોકમાં તેનાં સર્જનોનો સંદર્ભ શોધવાની પણ અનિવાર્યતા ઊભી થાય છે. અભ્યાસની સરળતા ખાતર આ પ્રકરણને જીવન અને સર્જન સંદર્ભ એવા બે વિભાગોમાં વહેંચી નાખવું મુનાસિબ માન્યું છે.


0 comments


Leave comment