2.4 - (બ) રાવજી : સર્જન-સંદર્ભ : / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   રાવજીનો તેનાં સર્જનો સાથે એક વિલક્ષણ નાતો રહ્યો છે. બહુ ઓછા કવિઓમાં એવું જોવા મળે કે તેમન અંગતજીવનના સંદર્ભો તેમના સર્જનોમાં સ્પષ્ટ રંગ-રેખા અને આકારમાં પામી શકાય. તેથી ઊલટું, ઘણા સર્જકોમાં આ સર્જક-સર્જન સંબંધ અતિ સ્પષ્ટ અને ગાણિતિક રૂપનો પણ જોવા મળે. જેમકે કલાપી. કલાપીના જીવનની કેટલીક ઘટનાઓનું વર્ણન-આલેખન તેમની કવિતાઓમાં થયેલું જોવા મળે છે. પરંતુ એ બધું હંમેશાં કાવ્યકળાના પરિમાણમાં ઓગળીને એકરૂપ થયેલું અનુભવાતું નથી. જ્યારે એ સંદર્ભમાં રાવજીનો તેનાં સર્જનો સાથે એક વિલક્ષણ નાતો રહ્યો છે. રાવજીનું જીવન જે વિશિષ્ટ સંજોગો અને વિષમતાઓ વચ્ચે પસાર થયું તેનો ઊંડો પ્રભાવ તેનાં સર્જનો પર પડ્યો છે. અલબત્ત, આ પ્રભાવ કાવ્યકળાના પરિમાણમાં નિર્ગલિત થઈ ગયેલો હોઈ જીવનના સંદર્ભના અભાવમાં પણ તેનાં કાવ્યોને માણવા કે પ્રમાણવામાં તકલીફ પડતી નથી. પણ તેના જીવનના સંદર્ભોના આલોકમાં તેનાં સર્જનોને જોવાથી તેના સર્જનોને એક વિશિષ્ટ પરિમાણ અવશ્ય પ્રાપ્ત થાય છે.

   રાવજીનું શૈશવ ગરીબ ગ્રામીણ કુટુંબમાં અનેક અભાવો વચ્ચે પસાર થયું છે. તો બાળપણમાં આ સ્થિતિમાં સહેજપણ ફેર પડતો નથી. ઊલટાનું અભાવનું આ વાતાવરણ બાળક રાવજીના સંવેદનતંત્રને વધારે તીવ્ર બનાવે છે. બાળપણમાં શાળાએ જતાં સૂઈ ગામની એક વૃદ્ધાને એણે બળતે બપોરે ઉઘાડા પગે ચાલતી જોઈ પોતાની ચંપલ તેને આપી દીધેલી અને પોતે વડનાં પાંદડાંની મોજડીઓ બનાવીને પહેરી લીધી હતી. આ ઘટના તેના ચિત્ત ઉપર ચિર પ્રભાવ મૂકી ગયેલી જણાય છે. તેના કાવ્ય ‘એક ઊથલો’માં તેનું પ્રતિબિંબ દેખાય છે.
'રામપુરાના શાંત પુકુરની પાળ પરના ઘટાદાર વડીલ,
છાંય નીચે દફતર કોરે મૂકીને હાંફતો એક કિશોર
વટપત્રની બે મોજડીઓ બનાવતો - હજી કોની વાટ જુએ છે - આટલાં વર્ષો પછીય?
આટલાં વર્ષો પછીય એની બનાવેલી એ મોજડીઓ ભણી કોઈનાંય અભિતપ્ત ચરણ ના ગયાં?
રામપુરાના પ્રશાંત પુકુરની પાળ પરથી ચપોચપ ચાલી જતી એ કિશોરીનું કોણ હરણ કરી ગયું ?
એને કોણ હરી ગયું ?’
(‘અંગત’, કાવ્ય – એક ઉથલો)
   અલબત્ત, અહીં મૂળ સંવેદનાના પ્રભાવને અકબંધ રાખી કવિએ વૃદ્ધાને કિશોરીમાં પલટી નાંખીને વાસ્તવજીવનની ઘટના પાસે સર્જકતાને બળે કળાત્મક કાવ્યપિંડનું નિર્માણ કર્યું છે.

   આમ છતાં, બાળપણમાં અભાવના વાતાવરણમાં રાવજીની સાંત્વનાનાં બે-ત્રણ સ્થળો હતાં. કવિ રાવજીનું કાઠું ઘડવામાં સુષુપ્ત રીતે પણ તે અત્યંત સક્રિય અને પ્રભાવી રહ્યાં છે. આ બે-ત્રણ સ્થાનોમાં એક હતું રાવજીનું ગામતળનું ખેતર, બીજું સ્થળ તે વલ્લવપુરા ગામ આખું. અને ત્રીજું સ્થળ તે પ્રણામી પંથના ભજનિકોની ભજનમંડળીઓ.

   રાવજીનું ખેતર ગામતળને અડીને હોવાથી એ લગભગ ખેતરમાં ઊછર્યો છે એમ કહીએ તો ચાલે. ઘરઆંગણના અભાવો ખેતરના વિશિષ્ટ પરિમાણમાં કદાચ સાલતા નથી. તેથી જ રાવજીને ખેતર તેના અભાવોને ભૂલવીને પોતાના ખોળામાં છૂપવી દેતી મા જેવું લાગતું. તો કૃષિને પોતાના અભાવો દૂર કરવાના અને સપનાં સાકાર કરવાના એક ઉપાય તરીકે કહો કે અન્નપૂર્ણા તરીકે તેણે જોઈ છે. તેથી જ અન્ય કવિઓની અપેક્ષાએ રાવજીમાં પ્રકૃતિને બદલે કૃષિજીવનનો અસબાબ પ્રધાનતા ભોગવતો અનુભવાય છે. કૃષિ, સીમ અને સીમાડું પર્યાવરણ જાણે કે તેનાં શ્વાસ બની ગયાં હતાં. જે તેની અનેકાનેક કૃતિઓમાં અનેકવિધ સંવેદનો, કલ્પનો અને પ્રતીકોના જટાજુટની રચના કરે છે. નવલકથા ‘અશ્રુઘર’ના નાયકનો કુટુંબ પરિસર આવા કૃષિપરિસરની નીપજ છે. ‘સગી’નામની ટૂંકી વાર્તાના નાયકની પશ્ચાદભૂમિ પણ આવા જ કૃષક પરિવારની રહી છે. અલબત્ત કવિતાઓમાં તો તેના એવાં અસંખ્ય ઉદાહરણો મળી આવે છે. જેમાં રાવજીમાં ધબકતાં કૃષિ અને ગ્રામપરિસર અત્યંત ઉદ્રેકપૂર્વક અભિવ્યક્તિ પામ્યાં હોય.
‘મેં ડોલતાં કણસલાં પર કાન માંડ્યા
પંખી સમા ત્યહીંય બેઉ રમે મજેથી !
લીલાશમાં સરકતી પકડી હવાને
ચૂમી લઈ, કલકલાટ બધીય ચાખ્યો !
ને હું હવે નગરને પથ સંચરું ત્યાં
આખીય સીમ મુજને વળગી રહી છે !
(‘અંગત’, કાવ્ય – સીમનું મન)
* * * * *
ગળું મયૂરનું સર્યુ ગગનમાં, ખેડવેળા થઈ આ.
અરે, મુજ સમાન આજ નવરું આમ તે કોણ હોય?
ઘણુંક દૂર ગામ, ખેતર તણી ગંધ શું મ્હોય માનું.
અહીં કણસતું હજી અફલ કો, વર્ષ જેવું બિછાનું.’
(‘અંગત’, કવિતા – ખેડ વેળા)
* * * * *
‘આખો દહાડો ઢેફાઈ કુટાઈ
મા
પંજેઠીની જેમ લૂસ ખાટલામાં પડી રહી.’
(‘અંગત’, કવિતા – વરસાદી રાતે)
* * * * *
મારી ધ્રાણનો ડંખ મને લાગ્યો!
ગયા ભવમાં હું ક્યું વૃક્ષ હતો?
હું કુંપળ જેવું બોલું ને
વાતાવરણનો કાટ ધીરે ધીરે ઊતરતો જાય.
ખેડતાં ખેડતાં હળનો દાંતો અટકી જાય’
(‘અંગત’, કવિતા – બાર કવિતાઓ (કવિતા ૨))
* * * * *
'હું તો માત્ર
ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.’
(‘અંગત’, કવિતા - ઠાગા થૈયા)
   આ બધા જ સંદર્ભો જોતાં રાવજીના અંતરમનમાં ઊંડે ઊતરી ગયેલાં ગામ, સીમ અને ખેતર તેની કવિતામાં એક નવું જ પરિમાણ રચતાં જોવા મળે છે.

   બાળપણમાં કૃષિ, ગ્રામ અને સીમ પરિસરની ઓરમાં લપેટાયેલો રાવજી તરુણાવસ્થાની આકાંક્ષા, ઇચ્છાઓ, ઝંખનાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ સાથે શહેરમાં ભણવા આવે છે અને પોતાના કાકાને ત્યાં રોકાય છે. આર્થિક રઝળપાટના તેના મન ઉપર ઉઝરડા પડવા માંડે છે તો સાથોસાથ સંબંધોની વિફલતા પણ તેની મુગ્ધતાનું હનન કરે છે. નગર એને નિર્મમ લાગે છે. બિનસલામતીની ભીતી તેને સતત પીડતી રહે છે. પરિણામે શહેર તેના ચિત્ત ઉપર ક્ષોભ અને ભયની લાગણી જન્માવનારું તત્ત્વ બની રહ્યું હતું. ભરયુવાનીમાં જ્યારે બાળપણ અને તરુણાવસ્થાનાં શમણાં સિદ્ધ કરવાનો સમય હોય ત્યારે રાવજી તણખલાંની તોલે તૂટી તૂટીને વીખરાઈ રહ્યાનું અનુભવે છે. (જુઓ પરિશિષ્ટ) તે શહેરની નિર્મમ ઉદાસીનતાને પડખે ગામ-ઘર-ખેતર તેને માના ખોળા સમાં લાગે છે. તેથી ગ્રામીણધરાને સતત ઝંખતો રહે છે. નગરજીવનનો આ ઓથાર અને ગ્રામધરા તરફનું તેનું આકર્ષણ તેની કૃતિઓમાં સતત પડઘાયા કરે છે. જેમ કે તેની ‘ઘેટાં’ વાર્તામાં ભલાભોળા ગ્રામજનનું કતલખાના જેવા શહેર તરફ થતા સ્થાનાંતરનું નિરૂપણ તો તેની ‘ઝંઝા’ નવલકથાનો નાયક પણ શહેરી સભ્યતા અને સંસ્કૃતિથી ઉબાયા કરે છે. તે જ રીતે અશ્રુઘર’નો નાયક ગ્રામથી દૂર હોવા છતાં સતત ગ્રામીણ અસબાબમાં જીવ્યા કરે છે. વળી, રાવજીની એકાધિક કાવ્યપંક્તિઓમાં નગરજીવનની ભયાવહતા અને સભ્ય સંસ્કૃતિનું ખોટાપણું તેમ ગ્રામીણ પરિવેશનું તેનું આકર્ષણ સતત ડોકાયા કરે છે.
‘વીંછણના અંકોડા જેવાં બિલ્ડિંગોથી
હરચક ભરચક શહેર દબાયાં.’
(
‘અંગત’, કવિતા – અસંખ્ય રાત્રિઓને અંતે)
* * * * *
‘નરી ઊંડી ખીણો ખદબદ થતી, સાપ લબડે.
(અહીં છું કે બીજે?) શરીર ઘસતો સ્ટેન્ડસળિયે’
(‘અંગત’, કવિતા – બસ-સ્ટેન્ડ પર રાત્રે)
* * * * *
‘મારા ખેતરની ઝુડાતી બોરડી જેવાં શહેર
રોમ રોમ પર બોમ્બાર્ટ
રોમ રોમ પર બળી રહ્યાં રોમ હેનોય હિરોશીમા કવિ'
(‘અંગત’, કવિતા - રામકહાણી)
* * * * *
‘લમણામાં મરી ગયેલા કવિની ખોપરી ગોળીની જેમ વાગે છે ત્યારે
ટાઇપરાઇટરમાંથી વાવાઝોડું અમદાવાદ, ત્રિચિનાપલ્લી,
દિલ્હી અને ડાકોરને ચીંથરાની જેમ લઈને ઊડે છે.’
(‘અંગત’, કવિતા – દ્રોહસમય પછી)
* * * * *
‘હજીય
ઊંઘની અગાશી પર રહ્યો રહ્યો
શૈશવના મેઘ જેવો વરસી પડું છું ચણોઠી પર.
ચણોઠી જડેલો મારો ભૂતકાળ
હજીય
મારા શબ્દમાં આળસ ભરે.
પથારી પર હજીય ઊડી આવે છે-આળોટે છે
સંયુક્તા, મારો નિદ્રાદેશ ઢંઢોળતી
ગામભાગાળે મારી સાથે ખેલતી હતી તે તરલતા
કેવળ રોમાંચ થઈને ક્યારેક આવે છે;
તે ક્યાં ?
ખેતરવાટ પર દાદાને ખભે બેસીને
આત્મીય આમ્રઘટાઓને જોતો હતો
તોય
તોય
જાણે ધરાતો જ ન’તો.’ (ન હતો)
(‘અંગત', કવિતા – ચણોઠી – રક્ત અને ગોકળગાય)
   રાવજીની યુવાનીનો મોટો ભાગ નાના-મોટા અભાવના સાંધાઓ કરવામાં વીતે છે. કશીક અપ્રાપ્તિની ઝંખના અને અનિશ્ચિતતાની પ્રાપ્તિની વચ્ચે તે રહેંસાયા કરે છે. આ ગાળામાં તે પરણે છે અને એક સંતાનનો પિતા બને છે. સાથોસાથ ભૂખ, અભાવ, અશક્તિ અને કંઈક અંશે આનુવંશિકતાએ રોપેલાં બીજમાંથી ઊગીને ઘટાટોપ થતો જતો ક્ષયનો રોગ રાવજીને ઘેરી લે છે. ક્ષય રાવજીની અસ્તિત્વ માટેની મથામણ અને તેને ટકાવી રાખવાની કોશિશોને ઘેરી અને તીવ્ર બનાવે છે. ક્રમશ: વકરતો જતો ક્ષય રાવજીની મનોભૂમિ ઉપર મૃત્યુભાવને સાક્ષાત કરતો જાય છે. પરિણામે રાવજીના સર્જનો એક વિશિષ્ટ પરિમાણ ધારણ કરે છે. ક્ષયજનિત રુગ્ણતા તેનામાં ઉદ્દામ જાતીય આવેગો, જિજીવિષા અને આદિમ લાગણીઓને તીવ્રતમ અને પારદર્શી બનાવી મૂકે છે. તો મૃત્યુની નિશ્ચિતતા, દેહિક નશ્વરતાની તીવ્ર લાગણીની સાથે મૃત્યુની ભયાવહતાને રાવજી સમક્ષ છતી કરે છે. પરિણામે રઘવાયો-રઘવાયો રાવજી ઉપરના સ્તરે અત્યંત બેફિકર થઈને જીવવાનો યત્ન કરે છે. અને તે ભ્રમનો પડદો પણ તૂટી જતાં જીવનના અંત કાળે તો લગભગ સનેપાતની સ્થિતિમાં આવી જાય છે. પરંતુ આ ઘટનાના આાંતરિક પડઘાઓ તેના સર્જનોને અનેક રીતે ઉપકૃત કરતા રહ્યા છે. રાવજીની કૃતિઓમાં પ્રવેશેલી રમ્ય દુબોંધતા, સઘનતા અને સંકુલતા તેની આવી વિલક્ષણ જીવન સ્થિતિઓને આભારી છે. રાવજીની ‘અશ્રુઘર’ નવલકથા તો લગભગ તેના હૉસ્પિટલ નિવાસ દરમ્યાન જ તેણે રચેલી છે. નવલકથાનો નાયક સત્ય જાણે રાવજીનું જ પ્રતિરૂપ બની ગયો છે. તેમની સાથે હોસ્પિટલમાં દર્દી તરીકે રહેલા કવિ શ્રી ઉસ્માન પઠાણ તેમની મુલાકાતમાં કહે છે કે : ‘બપોરે જમીને આરામ કરતા અને સાંજે પાંચ વાગ્યે અમે બંને બહાર ઠંડકમાં એક આંબો અને એક પીપળો હતો ત્યાં બેસતા. પણ ત્યાં બેઠા બેઠા અમારા બન્નેની નજર ત્યાંના દર્દીઓ પર, એમની ક્રિયાઓ પર, દર્દીઓને મળવા આવતાં સગાંઓ પર, અને સગાંઓ દર્દીને મળીને જાય ત્યારે કેવા પ્રતિભાવો લઈને જાય છે તે જોવા એમના મુખના ભાવ અમે જોયા કરતા.’ પરિવેશના આવાં સૂક્ષ્મ અવલોકનને રાવજીની બળુકી સર્જકતા ‘અશ્રુઘર’માં એક વિશિષ્ટ પરિમાણ આપી શકી છે. તો વાસ્તવજીવનમાં તેની સાથે રહેલા ઉસ્માન પઠાણ કે ફાધર લોબોનાં ચરિત્રો પણ તેણે નવલકથાના કથાપટમાં રોપી આપ્યા છે. તેની ‘સગી’ નામની ટૂંકી વાર્તા પણ આ જ પરિવેશનું ફરજંદ છે. વળી, તેની કવિતામાં તો અસંખ્ય કલ્પન, પ્રતીકો અને કાવ્ય ખડકો તેની આવી અસ્તિત્વગત મથામણના અનેક સંકુલ રૂપો પ્રગટાવી આપે છે. જેમકે :-
‘વસ્ત્ર સરી જશે એકેક,
ત્વચા પણ સરી જશે,
ક્યારેય તે કોઈ અડશે નહીં;
લોહીનાં પાન બની જશે કો'ક નદી તીરે
કે જાણું નહીં (?)
જાણું નહીં એવું થશે-કદાચ
ક્યારેક તો જન્મક્ષણો ઉલ્લંધી
ટેકરી ચાદર જેમ ખેંચી લાંબા થશું.’
(‘અંગત’, કવિતા – નવ જન્મ-મૃત્યુ કાવ્ય (કાવ્ય ૧))
* * * * *
‘પેલું શ્વાન ભસે; પેલું દુષ્ટ
પણે લીમડાને હેઠે.
અતિશય રોષ કરે મારી આંખોનાં નિશાન
મારા શ્રવણમાં બેઠેલી
દિશાઓ શાંત-અતિશય ભયભીત.'
(‘અંગત’, કવિતા - રુગ્ણતા)
   રાવજી તેની ભાષામાં કહીએ તો, ‘જીવવાનું આ લફરૂં છોડીને ૧૦ ઓગસ્ટ, ૧૯૬૮ના દિવસે જગતમાંથી વિદાય લે છે. અલબત્ત, કવિ જન્મતો કે મૃત્યુ પામતો નથી. કવિ યા સર્જક સર્જનાત્મકતાની પ્રચ્છન્નતાની પ્રાકટ્યક્ષણની સ્થિતિનું જ બીજું નામ છે. જીવનના ચાલકબળ તરીકે રહેલી અમૂર્ત ચેતનશક્તિને શબ્દના આલોકમાં ફેરવી નાખીને જીવંત શબ્દપૂંજોનું નિર્માણ કરવાનું તેનું કામ છે. રાવજીએ આ કામ અત્યંત મૌલિક અને પ્રભાવક રીતે પાર પાડ્યું છે. તેના અસ્તિત્વનાં ઊંડાણોમાં પ્રગટેલાં સંચલનો-સંવેદનો તેની સંવેદનાના પિંડમાં લપેટાઈને જીવનની અનેકવિધ બાહ્ય પરિસ્થિતિઓ સાથે સંઘર્ષાઈને શબ્દલોકમાં સ્થિર થયાં છે. અને તે પણ ગુજરાતી કવિતામાં તેના પ્રદાનને ચિરંજીવ બનાવે તે રીતે. રાવજીએ પોતે કહ્યું છે તેમ ‘ગયા ભવના ખીલા કળે છે છાતીમાં’ થી શરૂ થતી એક પીડાયાત્રા 'મારે સંદર્ભો સહિત જીવવાનું’ આગળ અટકે છે. કદાચ બીજા ભવનું અનુસંધાન રચવા. રાવજીનું જીવન અને તેના સર્જનના સંદર્ભો જે રીતે પરસ્પર ગૂંથાયેલા છે તે જોતાં લાગે છે કે તેની કવિતાના આલોકમાં જીવનના અનેક અંધારાં પાસાં આલોકિત થઈ ઊઠે છે. તો તેના જીવનસંદર્ભના આલોકમાં તેની કવિતાની રહસ્યમયતાઓ પણ ઠીક ઠીક રૂપમાં પારદર્શી બની શકી છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment