101 - પરાયું છે / અનિલ વાળા
ખૂબ બારીકાઇથી એ નંદવાયું છે,
કૂમળી કૂંપળ વડે હૈયું કપાયું છે.
ચાલવાની એ જ ઘટના ક્યાં સુધી છેવટ ?
કોઈ પંખી શું ફરી પાછું ઘવાયું છે ?
શ્વાસ માફક મેં ઉછેરી લાગણી દોસ્તો,
આજ લગ થોડું ઘણું ત્યારે ટકાયું છે.
આ અરીસો જોઈને લાગ્યું મને આજે,
એમને મારાં વિશે ઊંધું બફાયું છે ।
શીદને ભોંઠો પડું મારું કહીને હું ?
આપણું શું છે અહીં ? જે છે પરાયું છે.
સાંભળી લો, આ ગઝલ મારી નથી દોસ્તો
એમણે જે કૈં લખાવ્યું, એ લખાયું છે.
0 comments
Leave comment