102 - ઉખાણું હતું / અનિલ વાળા
આભનાં પેટમાં એક કાણું હતું,
સૂર્યનાં જેવડું સરસ છાણું હતું.
હું હતો ને હતી એક મુઠ્ઠી ગઝલ,
અન્ય તો ક્યાં કશું કોઈ નાણું હતું !
ચીંથરેહાલ હાલત હતી એમની,
શું ગજબ એમનું તોય ગાણું હતું.
પેન, કાગળ અને શબદના સંગમાં,
રાત આખી અજબનું ઉખાણું હતું.
ખૂબ ઊંડું હતું આ હૃદયનું અતલ,
આપનાં નામનું ત્યાંય થાણું હતું.
0 comments
Leave comment